અભિનેતા સંજય દત્તે તેના બાળકોના જન્મદિવસે જ તેના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર આપતા ફેન્સ ખુશ

(એજન્સી) મુંબઈ, તા.૨૧
બોલીવૂડના મુન્નાભાઈ એટલે કે સંજય દત્તે કેન્સર સામેના જંગમાં તેની જીત થઈ હોવાની વાતનો એકરાર કર્યો છે. સંજય દત્તે જણાવ્યું કે, કેન્સર સામેની લડતમાં આખરે તેની જીત થઈ છે અને તેણે આ કપરી યાત્રામાં સાથ આપવા બદલ શુભચિંતકો તેમજ ફેન્સનો અંતરથી આભાર માન્યો હતો. સંજુ બાબાએ તેમના બન્ને સંતાનો પુત્ર શાહરાન અને પુત્રી ઈકરાના ૧૦મા જન્મદિવસ નિમિત્તે આ ખુશખબરી ટિ્‌વટર પર શેર કરી હતી. સંજય દત્તે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહ મારા તેમજ પરિવાર માટે ખૂબજ મુશ્કેલીભર્યા રહ્યા હતા. પરંતુ ભગવાન પણ તેમના સૌથી શક્તિશાળી સૈનિકની જ કસોટી કરે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર, હું મારા જીવનના મુશ્કેલ જંગમાં જીત મેળવીને પરત ફર્યો છું જે તેમના માટે સૌથી શ્રેષ્ઠ ભટે હશે. અમારા પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પણ આ એક સારી બાબત છે. દત્ત પરિવારના નજીકન સૂત્રએ અગાઉ જણાવ્યું હતું કે સંજય દત્ત કેન્સર સામે સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે. તેમનામાં રિકવરીના લક્ષણો ઘણા સારા હોવાનું જણાયું છે. ત્યારબાદ આજે સંજય દત્તે સ્વયં પોતાના સ્વાસ્થ્યને લઈને સ્પષ્ટતા કરી છે. ૬૧ વર્ષના સંજૂ બાબાએ ઓગસ્ટમાં એક નિવેદન કરીને જણાવ્યું હતું કે તે મેડિકલ ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા માંગતો હોવાથી હાલ ફિલ્મ ક્ષેત્રે બ્રેક લઈ રહ્યો છે. તે વખતે સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાની અટકળો વહેતી થઈ હતી. સંજય દત્તે આ કપરા સમયમાં તેના મિત્રઓ તેમજ પરિવારનો પણ આભાર માન્યો હતો. સંજય દત્તે મુંબઈ સ્થિક કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને તેણે ડોક્ટરો તેમજ મેડિકલ ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સંજય દત્તે ખાસ કરીને ડોક્ટર સેવંતી અને તેમના ટીમના અન્ય ડોક્ટર્સનો દિલથી આભાર માન્યો હતો. સંજૂ બાબા છેલ્લે સડક ૨માં જોવા મળ્યા હતા. આગામી સમયમાં મુન્નાભાઈ કેજીએફઃ ચેપ્ટર ૨,માં જોવા મળશે.