(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.રર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓ શાંતચિત્તે પરિક્ષા આપી શકે તે માટે તમામ પરિક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનાં શિક્ષણ બોર્ડ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે,જયારે બીજી તરફ આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાનાં બિલપાડ ગામે સરસ્વતી હાઈસ્કુલ સ્થિત પરિક્ષાકેન્દ્ર ખાતે પરિક્ષા ખંડનાં નામે ઉપર પતરાની છત અને આજુ બાજુમાં દિવાલોનાં નામે લીલી નેટ મારવામાં આવી છે,તેમજ બાજુમાંથી પસાર થતા રાજય ધોરી માર્ગ પરથી પસાર થતા વાહનોનો સતત ધોંધાટ થઈ રહ્યો છે,તેવા કોઈ પણ જાતની સુવિધા વિનાનાં પરિક્ષા કેન્દ્ર પર પરિક્ષાર્થીઓ પરિક્ષા આપવા મજબુર બન્યા છે,અને જેનાં કારણે પરિક્ષાર્થીઓનાં પરિણામ પર તેની અસર પડવાની સંભાવનાઓ રહેલી છે. બીલપાડમાં સરસ્વતિ હાઈસ્કુલમાં આવેલ પરીક્ષા કેન્દ્રમાં ધો૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. પરંતુ આ પરિક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા માટે કોઈ પરીક્ષા ખંડ જ નથી. તેથી શાળાનાં પટાંગણમાં ખુલ્લી જગ્યામાં ઉપર લોંખડનાં પતરાનો સેડ અને આજુબાજુ લીલા રંગની નેટ મારી હંગામી પરિક્ષા ખંડ બનાવવામાં આવ્યો છે. સરસ્વતિ વિદ્યાલયને અપુરતી સુવિધાઓ હોવા છતાં બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર કેવી રીતે આપવામાં આવ્યું. તેનો કોઈ જવાબ નથી. જો કે પરીક્ષાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા તેનાં પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.