નવી દિલ્હી, તા.૬
ન્યુઝીલેન્ડમાં અંડર-૧૯ વિશ્વકપ જીતી ઈતિહાસ સર્જનારી ટીમ ઈન્ડિયા પર ઈનામોની જાહેરાત કરવામાં સહેજ પણ વિલંબ કર્યો નહીં પણ ઈનામ વહેંચવાના બીસીસીઆઈના વલણની ટીમનો કોચ રાહુલ દ્રવિડ નારાજ છે. તેણે બોર્ડની ઈનામ વહેંચવાની રીત ઉપર સવાલ ઉઠાવ્યા છે. બીસીસીઆઈએ કોચ દ્રવિડને પ૦ લાખ, ખેલાડીઓને ૩૦-૩૦ લાખ અને સપોર્ટ સ્ટાફને ર૦-ર૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી. દ્રવિડે કહ્યું કે ટીમ સાથે જોડાયેલા પૂરા સપોર્ટ સ્ટાફનો રોલ પણ તેમના જેટલો જ મહત્ત્વનો હતો. બધાએ એક ટીમની જેમ કામ કર્યું છે તેણે લખ્યું છે કે ટીમની સાથે જોડાયેલા સપોર્ટ સ્ટાફને પણ બરાબર પુરસ્કાર મળવો જોઈએ. સામાન્ય રીતે મેદાન પર રમનારા ખેલાડીઓને શાનદાર પ્રદર્શન માટે સપોર્ટ સ્ટાફ કરતા વધારે ઈનામી રકમ મળે છે પણ બીસીસીઆઈએ ટીમના મુખ્ય કોચ દ્રવિડને ઈનામમાં મોટી રકમ આપવાનો નિર્ણય કર્યો છે.