(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
લાંબા સમય બાદ સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી અને સુરતીઓ ખુશ પણ થઇ ગયા છેે. જે ફ્લાઇટના બુકિંગ પરથી જ માલુમ પડે છે. બુકિંગ શરૂ થતાની સાથે જ સુરત શારજહાની ફ્લાઇટની સીટ ફટાફટ બુક થઇ રહી છે. આગામી દિવસમાં સુરત શારજહાની ફ્લાઇટને સારો પ્રતિસાદ મળશે તો અન્ય ફ્લાઇટો પણ શરૂ થઇ જશે. ૩૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરવા આવી રહ્યું છે અને બપોરના દોઢ કલાકે તેઓ સુરત-શારજહા ફ્લાઇટને લીલીઝંડી આપનાર છે. ત્યારે આ ફ્લાઇટ માટેનું બુકિંગ એરઇન્ડિયા એક્સપ્રેસ એરવેઝ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સુરત-શારજહાની રેગ્યુલર ફ્લાઇટ ૧૬મી ફેબ્રુઆરીથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનામાં રાખીને વિવિધ પ્રકલ્પોના વડાપ્રધાનના હસ્તે સુરત-શારજહા ફ્લાઇટના સ્ટાર્ટઅપ બાદ સુરતથી સપ્તાહમાં બે દિવસ માટે ૧૬ ફેબ્રુઆરીથી રેગ્યુલર ફ્લાઇટ શરૂ થઇ જશે. શારજહાથી દર સોમવાર અને શનિવારે સાંજે સાત કલાકે ફ્લાઇટ ઉપડશે જે રાત્રે ૧૧ઃ૪૫ (દુબઇના સમય મુજબ) કલેકે સુરત એરપોર્ટને ટચ કરશે. શારજહાથી ઉપડેલી આ ફ્લાઇટ સુરત પહોંચશે ત્યારે અહીં રાત્રિના અંદાજે ૧૦ઃ૩૦ થયા હશે. આ જ પ્રમાણે સુરતથી દર મંગળવારે અને રવિવારે રાત્રે ૧૨ઃ૩૦ કલાકે ફ્લાઇટ ઉપડશે જે રાત્રીના ૨ઃ૧૫ કલાકે (ભારતીય સમય મુજબ) શારજહા પહોંચાડશે. ૧૬મી ફેબ્રુઆરીથી શરૂ થનવારી શારજહાની રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટેના બુકિંગ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઇન ફ્લાઇટનું બુકિંગ શરૂ થતાની સાથે જ ફ્લાઇટની સીટો બુક થવા લાગી છે. એક અંદાજ મુજબ પ્રથમ દિવસની ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે ૪૫ સિટો બુક થઇ ગઇ છે.