ભાવનગર, તા.૯
ત્રણેક દિવસ પૂર્વે ભાલ પંથકનાં ભડભીડના પાટીયા પાસેથી ટ્રાવેલ બસમાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ત્રણ બુટલેગર પૈકીનાં એક આરોપીનાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આ આરોપીની અટકાયત વેળાએ સંપર્કમાં આવેલ આરઆરસેલના પીએસઆઈ સહિત ૧૧ પોલીસ કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગે ભાવનગર જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે જણાવ્યું કે, ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર ભડભીડ ગામના પાટીયા પાસેથી ભાવનગર પોલીસની વિવિધ ટીમે ટુરીસ્ટ ટ્રાવેલર બસમાં છુપાવેલ વિદેશી દારૂની ૯૦ પેટી સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. અને ત્રણેય આરોપીના કોરોના ટેસ્ટ અર્થે સેમ્પલ લેવાયા હતા. જે ત્રણ પૈકીના એક આરેપી જગદીશ ગોવિંદભાઇ પઢીયાર (ઉ.વ. ૨૨ રહે વણજારા વાસ, અગ્રવાલ સ્કૂલની પાસે નારોલ પોલીસ ચોકીની પાછળ, નારોલ ગામ, અમદાવાદ)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેના સંપર્કમાં આવેલ અને તેની અટકાયતથી લઇ પૂછપરછ કરનાર ૧૧ પોલીસ કર્માચારીને હોમ કવોરન્ટાઇન કરવા આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. આ તમામના આરોગ્ય વિભાગે સેમ્પલ પણ લીધા હતા.