(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
શહેરના ઉધના વિસ્તારમાં બૂટલેગરો બેફામ બન્યા છે. દારૂ અને જુગારનો અડ્ડો બંધ કરવાને લઈને રહીશોએ ટકોર કરી હતી. જેથી બૂટલેગરના સાગરિતોએ ધાતક હથિયારોથી રહીશો પર હુમલો કરી દીધો હતો. જેમાં બાળકો સહિત લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના પટેલ નગર નજીક દારૂ અને જુગારનો અડ્ડો ચાલતો હોવાની સ્થાનિકોએ અનેક ફરિયાદો બાદ પણ અડ્ડો ધમધમતો હોવાનો આક્ષેપ કર્યો છે. દરમિયાન સ્થાનિકોએ બૂટલેગરને દારૂનો અડ્ડો બંધ કરી દેવા ટકોર કરી હતી. જેથી બૂટલેગરના ૭થી ૮ સાગરિતો ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. અને સ્થાનિકો પર હુમલો કરી દીધો હતો. જેમાં બાળકો સહિત ઘણા ઈજાગ્રસ્ત થયા છે.જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ પોલીસની કામગીરી પર પણ સવાલો કર્યા છે.