(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સરકારે બુધવારે જાહેરાત કરી છે કે, તે ચાલુ નાણાકીય વર્ષમાં ૨૦ જાહેર ક્ષેત્રની બેંકોમાં ૮૮,૧૩૯ હજાર કરોડ રૂપિયાની મૂડી લગાવશે. આઇડીબીઆઇ બેંકને સૌથી વધુ ૧૦,૬૧૦ કરોડ રૂપિયા મળશે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને અપાનારી મૂડીને લઇ યોજના બનાવી છે. ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે ઓક્ટોબરમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકો માટે ૨.૧ લાખ કરોડ રૂપિયાની રિકેપ યોજનાની જાહેરાત કરી હતી. જેટલીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ દરમિયાન બેંકોના રિકેપ પ્લાન પર અમલ કરવામાં આવશે.
૩૧મી માર્ચે સમાપ્ત થઇ રહેલા ચાલુ નાણાકી વર્ષ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ૮૮૦૦ કરોડ, બેંક ઓફ ઇન્ડિયાને ૯૨૩૨ કરોડ અને પંજાબ નેશનલ બેંકને ૫૪૭૩ કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને ૫૧૫૮ કરોડ, કેનેરા બેંકને ૪૮૬૫ કરોડ, ઇન્ડિયન ઓવરસીઝ બેંકને ૪૬૯૪ કરોડ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને ૪૫૨૪ કરોડ રૂપિયા મળશે. ઓરિએન્ટલ બેંક ઓફ ઇન્ડિયાને ૩૫૭૧ કરોડ, દેના બેંકને ૩૦૪૫ કરોડ, બેંક ઓફ મહારાષ્ટ્રને ૩૧૭૩ કરોડ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાને ૨૬૩૪ કરોડ, કોર્પોરેશન બેંકને ૨૧૮૭ કરોડ, સિન્ડીકેટ બેંકને ૨૮૩૯ કરોડ, આંધ્રાબેંકને ૧૮૯૦ કરોડ, અલાહાબાદ બેંકને ૧૫૦૦ કરોડ અને પંજાબ એન્ડ સિંધ બેંકને ૭૮૫ કરોડ રૂપિયા મળશે. જેટલીએ કહ્યું કે બેંકોની સંચાલન વ્યવસ્થામાં સર્વોચ્ચ માપદંડ નક્કી કરવા માટે પગલાં ઉઠાવવા જોઇએ. પાછળની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સંસ્થાગત પ્રલાણીની જરૂર છે. અમને વારસામાં ઘણી બધી સમસ્યા મળી હતી અને અમે તે સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોની સારી હાલત સરકારની પ્રાથમિકતા છે.