(એજન્સી) ફરીદાબાદ, તા.ર૬
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે ફરીદાબાદ ખાતેના એસઆરએસ ગ્રુપના ડિફોલ્ટરો અને સ્ટેટ બેંકના ૭૯૭૮ કરોડના ડિફોલ્ટરોને નાણામંત્રાલય અને પીએમઓએ વિદેશ છટકી જવાનો મોકો આપ્યો હતો. કોંગ્રેસે માગણી કરી છે કે આ મુદ્દે સરકાર મૌન તોડી તેનો ખુલાસો કરે કે તેણે શા માટે એસઆરએસ ગ્રુપ સાથે સંકળાયેલા ૩ ઉદ્યોગપતિઓને ભારત છોડી જવાની મંજૂરી આપી.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, તેમાંનો એક અનિલ જિન્દાલ એપ્રિલમાં ગિરફતાર કરાયો છે. ત્રણ બીજા જે કે ગર્ગ, પી.કે. કપુર અને પ્રતિક જિન્દાલને દેશમાંથી છટકી જવાની સરકારે મંજૂરી આપી.
તેમણે કહ્યું કે જિન્દાલ સાથે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ખટ્ટરને અંગત સંબંધો ધરાવે છે. ઓછામાં ઓછા રર જેટલા છેતરપિંડી અને કૌભાંડોના કેસ જિન્દાલ સામે ફરીદાબાદ પોલીસ સમક્ષ દાખલ થયેલા છે. સૂરજેવાલાએ કહ્યું કે સરકારે નબળી પડી ગયેલ આઈડીબીઆઈ બેંકને ખરીદવા જીવન વીમા કંપની સાથે હાથ મિલાવ્યા છે. હવે બેંકના નુકસાનની રકમ વીમા કંપનીના ગ્રાહકોની પોલીસીમાંથી ભરપાઈ કરાશે.
તેમણે આરોપ મૂક્યો કે વડાપ્રધાન પોતે જ નાણાકીય અરાજકતાના અગ્રણી છે. રિઝર્વ બેંક અને સીબીઆઈ આ બેંક ઘોટાળાઓથી માહિતગાર હોવા છતાં કોઈ પગલાં લીધા ન હતા.