અમદાવાદ,તા.૨૩
કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મજબુરીની સરકાર મજાક ઉડાવી રહી છે. આવા કપરા સમયે ખરા અર્થમાં જમણો આપે અને ડાબાને ખબર ન પડે તે રીતે મદદ પહોંચાડવી જોઈએ. તેના બદલે પ્રસિદ્ધિઓની ખોટી ખોટી જાહેરાતો કરીને મુશ્કેલીમાં આવી પડેલા લોકોને ભરખી તડકામાં રજળાવવાનું કામ થઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે તા.૧૪/૦૫/૨૦૨૦ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ તથા પ્રેસનોટ આપીને એવી જાહેરાત કરી હતી કે, નાના વેપારીઓ, દુકાનદારો,વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા શ્રમિકોને માત્ર એક અરજી કરવાથી એક લાખ સુધીની લોન આપી દેવામાં આવશે અને જેનું વ્યાજ માત્ર ૨ % જ રહેશે. સરકારની આ જાહેરાતના કારણે ૪૪ ડિગ્રી ધોમધખતા તાપમાં સેંકડો લોકો બેંકો પાસે લાઈન લગાવીને ઉભા રહી ગયા અને જ્યારે વારો આવ્યો ત્યારે મોટા ભાગની બેંકોએ કહી દીધું કે આ તો સહકારી બેંક છે. સભાસદ વગરનાને અમે ધીરાણ જ ન આપી શકીએ તો કેટલીક બેંકોએ એવું કહ્યું કે ફોર્મ લઈ જાવ અને બે સધ્ધર ગેરેન્ટર લઈને આવો પછી વિચારણા થશે. આ યોજનાના નામે ભાજપ દ્વારા એવો પ્રચાર થયો હતો કે વગર ગેરેન્ટીએ માત્ર અરજીના આધારે લોન મળી જશે. આમ અતિ મુશ્કેલીમાં આવેલા વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના વેપારીઓ, નાના કારીગરો તથા શ્રમિકો બેંકો પાસે લાઈનમાં તડકામાં ઉભા રહીને દયનીય સ્થિતિમાં મુકાયેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગે અને સરકાર ગેરેન્ટી લઇને બેંકોને પૈસા આપે, જેથી લોકોને લોન આપી શકાય.
સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ નીચે કામ કરે છે અને તેનો નિયમ એવો છે કે, સહકારી બેંકો માત્ર જે સભાસદ હોય તેને જ ધિરાણ આપી શકે. ઉપરાંત કોઈ લોન આપવી હોય તો નોમિનલ સભાસદ બનાવીને જ આપી શકાય. પરંતુ નોમિનલ સભાસદ કુલ સભાસદના ૨૦ % કરતા વધારે ન હોવા જોઈએ. હાલ મોટા ભાગની સહકારી બેંકો ગોલ્ડ ઉપર ધિરાણ નોમિનલ સભાસદ બનાવીને આપે છે અને તેથી નોમિનલ સભાસદ લગભગ ૨૦ % પૂર્ણ થયેલ હોય છે. આમ સરકાર જાણતી હતી કે, એક લાખની લોનની વાત માત્ર સ્ટંટ છે અને કોઈને લાભ મળવાનો નથી છતાં માત્ર પ્રસિદ્ધિ કરવાના પ્રયત્નથી ભયંકર હાડમારી લોકોને પડી છે.
(ગુજરાત ભાજપની વેબસાઈટ ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.હ્વદ્ઘર્.ખ્તિ ઉપર સરકારની એક લાખની સહાયની જાહેરાતનું પેઈજ છે. જેમાં ત્રીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે, “બેંકો વગર ગેરેન્ટીએ માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. જ્યારે બેંક દ્વારા લોનનું જે ફોર્મ આપવામાં આવેલ છે. તેમાં બે જામીન તથા ૧૦ દસ્તાવેજો આપવાની વિગત જણાવેલ છે.) તે પણ શક્તિસિંહે જાહેર કર્યુ છે.
બેંકો વગર ગેરંટીએ અરજીના આધારે લોન પાસ કરશે તેવી સરકારની જાહેરાત ખોટી

Recent Comments