(એજન્સી) બેંગલુરૂ, તા. ૬
બેંગલુરૂ સ્થિત ઇન્ડિય ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી)ની હાયપરસોનિક અને શોકવેવ માટેની લેબોરેટરીમાં પ્રયોગ દરમિયાન બુધવારે બપોરે થયેલા બ્લાસ્ટમાં સ્ટાર્ટ-અપ કંપનીના એક યુવા રીસર્ચ સ્કોલરનું મોત થયું છે અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઘવાયેલાઓને એમએસ રમૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. બપોરે ૨-૨૦ વાગ્યાના સુમારે ઘટના સર્જાયા બાદ તાકીદે ઘટના સ્થળે ધસી આવેલા ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે એરોસ્પેસ વિભાગના હાયપરસોનિક અને શોકવેવ માટેની રિસર્ચ લેબોરેટરીમાં બ્લાસ્ટનો પ્રચંડ સાંભળીને લેબોરેટરીમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાની વિદ્યાર્થીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
સદાશિવનગર પોલીસે જણાવ્યું કે સ્ટાર્ટ-અપ સુપર-વેવ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (એસડબ્લ્યુટીપીએલ) માટે કામ કરનાર અનુસ્નાતક અને રિસર્ચ સ્કોલર મનોજ કુમાર લેબોરેટરીમાં કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી મનોજ કુમાર દિવાલ સાથે ટકરાતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વિસ્ફોટમાં ઘવાયેલા અન્ય ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, ઇન્સ્ટીટયુટના સત્તાવાળાઓએ ઘટનાસ્થળને ઘેરી લીધું હતું અને ત્યાં કોઇને પણ જવા દીધા ન હતા. તેઓએ એવો દાવો કર્યો છે કે બ્લાસ્ટનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી અને વિસ્ફોટ કેવી રીતે થયો ? તેના વિશે પણ તેઓ કશું જ જાણતા નથી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.