(એજન્સી) તા.૧૭
કર્માટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ કહ્યું હતું કે પૂર્વ બેંગ્લોરમાં ગત સપ્તાહે થયેલી હિંસાની તપાસ કરવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જીૈં્‌)ની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોરના કોંગ્રેસના એક ધારાસભ્યના ભત્રિજાએ તેના ફેસબુક પેજ ઉપર ધાર્મિક નિંદા કરતી એક પોસ્ટ મૂકી હતી જે બાદમાં વાઇરલ થતાં આ હિંસા ફાટી નીકળી હતી.
યેદુરપ્પાએ એમ પણ કહ્યું હતું કે આ હિંસા દરમ્યાન ખાનગી અને જાહેર સંપત્તિને થયેલા નુકસાનની દોષિતો પાસેથી વસુલાત કરવા એક ક્લેઇમ કમિશ્નરની નિમણૂંક કરવા સરકાર હાઇકોર્ટનો પણ સંપર્ક કરશે. યાદ રહે કે આ હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. સરકારે રચેલી આ ટીમ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરશે અને જરૂર જણાશે તો ગુંડા એક્ટની વિવિધ કલમો પણ લાગુ કરવામાં આવશે. આ કેસની ઝડપી કાર્યવાહી ચાલે તે માટે સરકાર ત્રણ એડવોકેટની એક ટીમની પણ રચના કરશે. આ હિંસા ભડકાવવા જવાબદાર લોકો સામે અનલોફુલ એક્ટિવિટિ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) સહિતના આકરા પગલાં લેવાની શરાત કરી દેવામાં આવી છે. કેજી હલ્લી અને ડીજી હલ્લી વિસ્તારમાં થયેલી હિંસામાં સરકારી અને ખાનગી સંપત્તિને કેટલું નુકસાન થયું છે તેની આકારણી કરવાનો અને નુકસાનની વસુલાત ગુનેગારો પાસેથી કરવાનો પણ અમારી સરકારે નિર્ણય કર્યો એમ યેદુરપ્પાએ કહ્યું હતું. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર આ નુકસાનની વસુલાત માટે અમે એક ક્લેઇમ કમિશ્નરની નિમણૂંક માટે નામદાર હાઇકોર્ટનો પણ સંપર્ક કરીશું એમ તેમણે ઉમેર્યું હતું. કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્માઇ અને રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મિટિંગ કર્યા બાદ મુખ્યમંત્રીએ આ મુજબનો નિર્ણય લીધો હતો. આ મિટિંગમાં રાજ્યના મુખ્ય સચિવ ટીએમ વિજય ભાસ્કર, એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવાદગી, ડીજીપી પ્રવિણ સુદ, બેંગ્લોરના પોલીસ કમિશનર કમલ પંત, અધિક મુખ્ય સચિવ (ગૃહ)રજનીશ ગોયેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત ૧૧ ઓગસ્ટના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ભત્રિજાએ ધાર્મિક નિંદા કરતી એક પોસ્ટ તેના ફેસબુક પેજ ઉપર મૂકી હતી જેના કારણે ધાર્મિલ લાગણીથી ઉશ્કેરાયેલા ઝનૂની ટોળાએ તે ધારાસભ્યના મકાન ઉપર અને ડીજે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારના પોલીસ સ્ટેશનો ઉપર હુમલો કર્યો હતો અને ખુબ મોટાપાયે તોડફોડ કરી હતી.