(એજન્સી) બેંગલરૂ, તા. ૧૯
કર્ણાકટના પાટનગર બેંગલુરૂમાં ૨૦થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા એર શોના રિહર્સલ દરમિયાન મંગળવારે સવારે ૧૧-૫૦ વાગ્યાના સુમારે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમના બે વિમાન આકાશમાં ટકરાતા એક પાયલટનું મોત થયું છે અને અન્ય બે પાયલટ ઘવાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. એરફોર્સે આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. બંને વિમાનમાં ત્રણ પાયલટ હતા. બે પાયલટ વિમાનમાંથી બહાર બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણે પાયલટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એક પાયલટનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઉડાન ભરતી વખતે આકાશમાં બંને વિમાન ટકરાયા હતા અને બંને વિમાનમાં આગ ફાટી નીકળી હતી. આકાશમાં ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે વિમાનનો કાટમાળ બેંગલુરૂના યેલાહંકા એરપોર્ટના નવા શહેરી વિસ્તારમાં આવેલા ઇસરો લે આઉટ નજીક પડ્યો છે. વિમાન દુર્ઘટના પાછળનું કારણ તાકીદે જાણવા મળ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વિમાન એક-બીજા સાથે ટકરાતા આ દુર્ઘટના સર્જાઇ છે. ૧૯૯૬માં સૂર્યકિરણ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં એક નાગરિકને પણ ઇજા થઇ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળનો વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.