(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૦
કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂમાં બપોરના ૧ઃ૩૦ કલાકે ત્યારે હડકંપ મચી જવા પામ્યો હતો કે, જ્યારે અચાનક જોરદાર ધડાકાભેર અવાજ સાંભળવા મળ્યો હતો. તેનાથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, એ જોરદાર અવાજનું કારણ શું હતું. કર્ણાટક રાજ્ય ડિસ્ઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના વૈજ્ઞાનિકોએ આ અવાજ ભૂકંપના આંચકાઓનો હોવાનો ઈનકાર કર્યો છે.
પ્રાથમિક જાણકારી મુજબ, બેંગ્લુરૂના સારજાપુર, એચએસઆર, વાઈટફીલ્ટ અને હેબ્બલ વિસ્તારમાં આ જોરદાર અવાજ સંભળાયો હતો. જણાવાઈ રહ્યું છે કે, બપોરે લગભગ ૧ કલાકને ૩૦ મિનિટે આ ઘટના બની. વિસ્તારના લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે, તે અવાજ ભૂકંપ જેવો જ હતો. જો કે, કર્ણાટક રાજ્ય ડિસ્ઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના વૈજ્ઞાનિકોએ બેંગ્લુરૂ મિરરને જણાવ્યું કે, ‘બેંગ્લુરૂમાં જે રીતે અવાજ સાંભળવા મળ્યો છે, તેનું કારણ ભૂકંપ નથી. સીસ્મોમીટરે કોઈ પ્રકારના ગ્રાઉન્ડ વાઈબ્રેશનને રેકોર્ડ નથી કર્યુ, જેવું કે હળવા ઝટકા દરમિયાન થાય છે. આ સંપૂર્ણ રીતે એક અજાણ્યો અને જોરદાર અવાજ હતો.’
કર્ણાટક રાજ્ય ડિસ્ઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું કે, ‘ભૂકંપની ગતિવિધિ કોઈ એક વિસ્તાર સુધી મર્યાદિત નથી રહેતી, તે મોટા વિસ્તારમાં અનુભવાય છે. અમે અમારા સેન્સર્સને ચેક કર્યા છે, જેમાં આજે કોઈ ભૂકંપ ગતિવિધિ નોંધાઈ નથી.’
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તે સિસ્ટમને ચેક કરી એ બાબતને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ અવાજ શેનો હતો. બેંગ્લુરૂ પોલીસ કમિશનર ભાસ્કર રાવે કહ્યું છે કે, ‘ક્યાંયથી પણ કોઈ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. ૧૦૦ નંબર પર પણ હજુ સુધી કોઈએ કોલ નથી કર્યો. અમે એર ફોર્સ કન્ટ્રોલ રૂમને આ અંગે તપાસ કરવા કહ્યું છે કે, ક્યાંક તે ફ્લાઈટમાંથી નીકળેલો સુપરસોનિક અવાજ તો ન હતો ને. બેંગ્લુરૂ પોલીસ હાલ તો એરફોર્સની પુષ્ટિની રાહ જોઈ રહી છે.’
વાઈટફીલ્ડ ડિવિઝનના ડીસીપીનું કહેવું છે કે, વિસ્તારમાં જમીનની તપાસ કરવામાં આવી, પરંતુ ક્યાંય કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી.