(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૮
કારવાંના પત્રકાર એહાન પેનકર જ્યારે ફરજ પર હતા ત્યારે તેમના પર હુમલો અને બાદમાં અટકાયત અંગે દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ (ડીયુજે) અને પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ ઘેરો આઘાત પ્રગટ કર્યો છે.દિલ્હીમાં ૧૬મી ઓક્ટોબરે ૨૪ વર્ષના પેનકર ૧૪ વર્ષની દલિત યુવતીના રેપ અને હત્યા અંગે પ્રદર્શનો થઇ રહેલા દેખાવસ્થળ પર જઇને રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની રિપોર્ટિંગમાં ખલેલ પહોંચાડી હતી. મોડલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેના એસીપી અજય કુમારે પેનકરે સતત પોતાનો પ્રેસનો કાર્ડ બતાવ્યા છતાં ગડદા પાટુનો માર માર્યો હતો.
પેનકરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, કુમાર અને તેમની ટીમ દ્વારા કઇ રીતે તેમને પ્રથમ બળજબરીથી સ્ટેશનમાં લઇ જવાયા હતા અને બાદમાં ઢસડીને માર માર્યો હતો. પેનકરને ચાર કલાક સુધી પોલીસ અટકાયતમાં રખાયા હતા અને તે દરમિયાન તેમનો ફોન ઝૂંટવીને તેમાંથી તમામ ફોટા, વીડિયો તથા રિપોર્ટિંગની અન્ય સામગ્રી ડિલિટ કરી દેવાઇ હતી. પોલીસ દ્વારા થયેલી ક્રૂર વ્યવહાર દરમિયાન પેનકરને નાક, ખભા અને કમર તથા આંગળી પર ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓ વિરૂદ્ધ આરોપો અંગે પીસીઆઇએ જણાવ્યું કે, અમે પોલીસ કમિશનરને આહવાન કર્યું છે કે, આ ઘમંડી અને બેજવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે જે પોલીસનું યુનિફોર્મ પહેરવાને લાયક નથી. તેણે કહ્યું કે, હાથરસની ઘટના બાદ આ ઘટના પણ આઘાતજનક છે, અત્યંત ભયાનક છે અને આ ઘટનાએ દેશના અંતરઆત્માને આઘાત લગાવ્યો છે.
Recent Comments