(એજન્સી) તા.૭
ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના ફોર લેન કેબલયુક્ત સીગ્નેચર બ્રીજ પ્રોજેક્ટનો ખર્ચ રૂા.૧૯૮ કરોડ જેટલો વધી ગયો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ પ્રેજેક્ટના ખર્ચમાં ૨૫ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકાર પાસે આ પ્રોજેક્ટ ખર્ચના વધારા માટે કોઇ જવાબ કે ખુલાસો હોવાનું જણાતું નથી. પરંતુ પ્રશ્નો એવા ઊભા થઇ રહ્યાં છે કે જ્યારે ટેન્ડર અને કોન્ટ્રેક્ટ અંગે સંમતી સધાઇ ગઇ હોય ત્યારે પ્રોજેક્ટમાં લગભગ રૂા.૨૦૦ કરોડનો જંગી ઉછાળો કઇ રીતે આવી શકે ? અગાઉ આ પ્રોજેક્ટનો ખર્ચ રૂા.૭૬૪ કરોડ અંદાજવામાં આવ્યો હતો તેની સામે હવે અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ વધીને રૂા.૯૬૨.૮૩ કરોડ થઇ ગયો છે. ૨૦૧૭ના વર્ક કમ્પિશન પ્રમાણપત્ર અનુસાર બ્રીજ નિર્માણનો ખર્ચ રૂા.૭૬૪ કરોડ હતો પરંતુ હવે તે વધીને રૂા.૯૬૨ કરોડ થયો છે. બીજો પ્રશ્ન એ ઊભો થયો છે કે હવે પ્રોજેક્ટ માટે આ વધારાના રૂા.૨૦૦ કરોડનો ખર્ચ કોણ વહન કરશે ? આ બ્રીજ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને ગુજરાતનો મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ માટે ૨૦૧૭માં ટેન્ડર ઇસ્યૂ કરવામાં આવ્યાં હતાં અને પ્રોજેક્ટ ખર્ચ રૂા.૭૬૪કરોડ નિર્ધારીત કરાયો હતો. પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટને પણ રૂા.૨.૬ કરોડની કન્સલ્ટીંગ ફી ચૂકવવામાં આવી હતી. ટેન્ડર કન્સલ્ટન્ટના વર્ક કમ્પલિશન સર્ટિફીકેટ અનુસાર પ્રોજેક્ટ રૂા.૭૬૪ કરોડના અંદાજિત બજેટમાં ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો હતો. તાજેતરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ બ્રીજના નિર્માણની સમીક્ષા કરવા હોવરક્રાફ્ટમાં સ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટથી દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ કરનારા યાત્રિકો માટે પરિવહન વધુ સરળ બનશે. અત્યારે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે યાત્રિકો ફેરી સર્વિસનો ઉપયોગ કરે છે.
(સૌ.ઃ ગુજરાત એક્સકલુઝીવ)