(સંવાદદાતા દ્વારા)
ભાવનગર, તા.૧૪
ભાવનગર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની ટર્મ આગામી ર૧મી ડિસેમ્બરે પૂર્ણ થાય છે. જેથી આજે સવારે ૧ર કલાકે જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભાની ખાસ બેઠક પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ તેમજ સદસ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં ચાર ઠરાવો રજૂ થયા હતા. જ્યારે અન્ય અધ્યક્ષસ્થાનેથી ઠરાવો રજૂ થયા હતા જે સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આજે મળેલી અંતિમસભા માં સભાના અંતે સત્તાધારી ભાજપના જી.પી.ના પ્રમુખ વકતુબેન તેમજ ઉપપ્રમુખ બી.કે.વાઘેલા આભારદર્શનની સાથે છેલ્લા અઢી વર્ષમાં જિલ્લા પંચાયત હસ્તક થયેલા વિકાસના કામો જાહેર કરતા હતા તે વેળાએ વિપક્ષ કોંગ્રેસના નેતા પ્રહલાદસિંહ (પદુભા ગોહિલ) સહિતના કોંગ્રેસના સદસ્યોએ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારો થયા છે. કોરોના કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. તેવા સૂત્રોચ્ચાર કરતા સભાનો બોયકોટ કરી બહાર નીકળી ગયા હતા અને દેખાવો કર્યા હતા. આ બેઠકમાં અધ્યક્ષસ્થાન્ ોથી અગાઉ સૂચવેલ કામોમાં કરેલ ફેરફારોના પાંચ જેટલા કામો તેમજ નવા સાત જેટલા વિકાસના કામોના ઠરાવને અધ્યક્ષસ્થાનેથી મૂકવામાં આવ્યા હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં અવ્યા હતા. જ્યારે અધિકારી દ્વારા ચૂંટાયેલા સદસ્યોને અપાયેલા મોબાઈલ અને લેપટોપ પરત કરવા તાકીદ કરાઈ હતી. આજે અંતિમ સભા હોય વિદાય લેતા પ્રમુખ વકતુબેને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપના શાસનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું વિપક્ષના નેતાએ આક્ષેપો કર્યા હતા.