(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.ર૬
અરવલ્લીના માલપુરમાં ટ્રેક્ટર ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો વાત્રક નદી પરના બ્રીજ પર એક ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા મામેરું લઈને જતાં ૪ ભાઈઓના પરિવારના ટ્રેક્ટરમાં બેઠેલા ૫ યુવકો ૫૦ ફૂટ ફૂટથી વધુ નીચે બ્રિજ પરથી વાત્રક નદીમાં ખાબકતા ૫ યુવકોના મોત નિપજતા એનડીઆરએફ, સ્થાનિક તંત્ર અને તરવૈયાઓ રેસ્ક્યુ ઓપરેશન હાથધરી ૧૫ કલાકથી વધુની જહેમત બાદ ૫ યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળતા ૫ યુવકોના મૃતદેહને પીએમ કરાવી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો જ્યારે ૨૨ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. ૨૨ ઈજાગ્રસ્તોમાંથી ૧૫ મોડાસા અને ૭ માલપુરમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૦ વર્ષીય યુવતી ગંભીર ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હિંમતનગર ખસેડાઈ છે. જેમાં પિંકીબેન કાંતિભાઈ ચમાર સારવાર દરમિયાન મોત નિપજતા અકસ્માતમાં વધુ એક યુવતીનું મોત નિપજતા ૬ કલાકના સમયગાળામાં ૬ નનામીઓ નાનકડા બેલ્યો ગામમાંથી ઉઠતા પરિવારજનો સહિત ગામ આંખુ હીબકે ચઢ્યું હતું.
સોમવારે સાંજે મેઘરજના બેલ્યો ગામથી વીરાભાઇ મોંઘાભાઇ ચમાર અને તેમના ત્રણ ભાઈઓ માલપુરના મહીયાપુર ગામે તેમના બહેન લાડુબેન જેઠાભાઇ પરમારના ઘરે પુત્રના લગ્ન હોવાથી પરિવારજનો અને ગ્રામજનો ૩૨ જેટલા લોકો ટ્રેક્ટરમાં મામેરું લઈ નીકળ્યા હતા. માલપુર નજીક વાત્રક પુલ પરથી પસાર થતાં પાછળથી આવતા ડમ્પરે (ટ્રકે) ટક્કર મારતા ટ્રેક્ટર પુલની દીવાલ સાથે અથડાતા પુલની રેલિંગ તૂટતાં ટ્રેક્ટરમાં બેઠેલા ૫ યુવકો નદીમાં મોત નીપજ્યું હતું. સદનસીબે ટ્રેક્ટર દીવાલને અથડાઈને અટકી ગયું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોમાંથી પિન્કીબેન કાંતિભાઈ પરમાર નામની યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા કાળમુખા અકસ્માતમાં મોતનો આંકડો ૬ને આંબી જતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો.