(એજન્સી) ચેન્નાઈ, તા.૨૫
ગયા શુક્રવારે પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્રનું મોત થતાં સમગ્ર તમિલનાડુમાં રોષ ફેલાયો છે. તુતોકોરીનમાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતા પિતા-પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. એમની ઉપર આક્ષેપ મૂક્યો હતો કે એમણે લોકડાઉનમાં નિર્ધારિત સમય કરતા વધુ સમય માટે દુકાન ચાલુ રાખી હતી. જેલમાં પોલીસ દ્વારા આચરાયેલ અત્યાચારના લીધે આ ઘટના બની છે જેના વિરોધમાં આવતીકાલે રાજ્યમાં દુકાનો બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દુકાન માલિકો જયરાજ અને એમના પુત્ર પેન્નીસના કુટુંબીજનોએ પોસ્ટમોર્ટમ પછી એમના મૃતદેહો સ્વીકારવા ઈનકાર કર્યું છે. એમણે આક્ષેપો મૂક્યા છે કે, એમને ગંભીર રીતે માર મારવાના લીધે એમને આંતરિક ઈજાઓ થઈ હતી જેના લીધે એમનું મોત નીપજ્યું હતું, એમણે દોષિત પોલીસો સામે હત્યાના આક્ષેપો મૂકી કેસ નોંધવા માગણી કરી છે. આ બેવડી હત્યા છે એમને અતિશય ત્રાસ આપવામાં આવ્યું હતું જેના લીધે એમનું મોત થયું. જયરાજની પુત્રીએ જણાવ્યું હતું કે, એમને એવી ઈજાઓ થઈ હતી જે મહિલા હોવાના લીધે હું કહી શકતી નથી. પિતા-પુત્રની ધરપકડ શુક્રવારે કરાઈ હતી. એમની ઉપર આક્ષેપો મૂકાયા હતા કે તેમણે પોલીસ ઉપર હુમલો કર્યો, પોલીસને ગાળો આપી અને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બંને પિતા-પુત્રને સબ જેલમાં રાખવામાં આવ્યું હતું. સૌથી પહેલાં પુત્ર પેન્નીસે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. એમનું હોસ્પિટલમાં મોત થયું. એમના પિતાએ સખ્ત તાવની ફરિયાદ કરી હતી અને એમને હોસ્પિટલમાં લઈ જવાયું જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તુતીકોરીનના પોલીસ વડાએ કહ્યું કે, અમે તપાસના આદેશો આપ્યા છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે ત્રણ સરકારી ડૉક્ટરો દ્વારા પોસ્ટમાર્ટમના આદેશો આપ્યા હતા. મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામીએ પીડિતોને ૨૦ લાખ રૂપિયા અને કુટુંબના સભ્યને સરકારી નોકરીની જાહેરાત કરી છે. જો કે એમણે મૃત્યુ બાબત દુખ વ્યક્ત કર્યું છે પણ પોલીસના અત્યાચારો સ્વીકાર્યા નથી. વિપક્ષના નેતા ડી.એમ.કે.ના કનીમોઝીએ પોલીસ વડાને ફરિયાદ કરી જવાબદાર પોલીસો સામે પગલાં લેવા માગણી કરી છે. માનવ અધિકાર ગ્રુપે જણાવ્યું છે કે, અમોએ તપાસ કરી હતી જેમાં અમને જાણવા મળ્યું કે મેજિસ્ટ્રેટે અંગત રીતે પીડિતો સાથે મુલાકાત કરી ન હતી. પીડિતો વાનમાં જ બેઠા હતા. જો મેજિસ્ટ્રેટે એમની રૂબરૂ મુલાકત લીધી હોત તો એમને સત્ય ઘટનાની ખબર પડી હોત.