(એજન્સી) તા.૧૪
બેહરીનની વિપક્ષી પાર્ટીઓએ ઈઝરાયેલ સાથે સંબંધોને સામાન્ય બનાવવા માટે કરવામાં આવેલી સમજૂતીને ફગાવી દીધી હતી. આ સાથે જ રવિવારે ટોચના શિયા ધર્મગુરૂએ આ સંધિનો પ્રતિકાર કરવા લોકોને હાકલ કરી હતી. ઈરાનમાં વસતા ધર્મગુરૂ આયાતોલ્લાહ શેખ ઈસા કાસીમે કહ્યું હતું કે, તે ઈઝરાયેલ અને અરબ દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવાના પક્ષમાં નથી. આયાતોલ્લાહ કાસીમ સાથે સંકળાયેલી બેહરીનની વિપક્ષી પાર્ટી અલ-વેકાફે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં આયાતોલ્લાહ કાસીમને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ગયા મહિને યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે થયેલી સમજૂતી અને ગયા શુક્રવારે બેહરીન અને ઈઝરાયેલ વચ્ચે થયેલી સમજૂતી લોકોની ઈચ્છાની વિરૂદ્ધ છે. આયાતોલ્લાહ કાસીમે કહ્યું હતું કે, શાસકો અને પ્રજાના વિચારો, ઉદ્દેશો અને હિતો વચ્ચે ઘણો મોટો તફાવત છે. સરકારો એક માનસિક હારનો અનુભવ કરી રહી છે અને તેઓ હવે આ હારને લોકો પર થોપવા માંગે છે. પરંતુ લોકોએ સરકારોની આ હારનો પ્રતિકાર કરવો જોઈએ. બેહરીનના પોલિટિકલ એન્ડ સિવિલ સોસાયટી એસોસિએશને બેહરીન બાર એસોસિએશન સાથે મળીને આ સમજૂતીનો વિરોધ કર્યો હતો. તેમણે બહાર પાડેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ સમજૂતીના જે પણ પરિણામો આવશે તેને લોકોનું સમર્થન નહીં મળે.’