(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
૧૫ ગાડીઓ ગીરવે મૂકીને છેતરપિંડી આચરવાના મામલે આજે બે આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આરોપી કૌશલસિંહ ઉર્ફે મુન્નો ગોહિલ અને ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલ જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ગુનાની તપાસ ચાલુ હોઇ અને ગુનાનો પ્રકાર તથા તેની ગંભીરતા ધ્યાને લઈ જામીન અરજી ફગાવી હતી. આરોપીઓની સામે સેટેલાઈટ, વાસણા અને વેજલપુરમાં ફરિયાદ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગાડી કોન્ટ્રાક્ટમાં ભાડે લેવાના બહાને ગીરવે મૂકી છેતરપિંડી કરનાર ૩ આરોપી વિરુધ્ધ કુલ ૪ ફરિયાદ નોંધાઈ હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે ૩ આરોપીની ધરપકડ પણ કરી છે. સાથે સાથે છેતરપિંડીના ગુનામાં બેદરકારી દાખવનાર પોલીસ ઈન્સપેક્ટર પી.ડી.દરજી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે ગુનાના મુળ સુધી પહોંચવા માટે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે એક કૌભાંડમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ભરતસિંહ સોલંકી, પાર્થ ઓડ અને કૌશલસિંહ ઉર્ફે મુન્નો ગોહિલ નામના આ ત્રણ વ્યક્તિઓ સામે કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે. આ ત્રીપુટીએ વોડાફોનના કોન્ટ્રાક્ટમાં ગાડી મુકવાના બહાને ૧૫ લોકો પાસેથી ગાડી મેળવી લીધી હતી અને ગાડીનું ન તો ભાડું ચૂકવ્યુ કે ન તો કોઈ વળતર આપ્યુ હતું. પરંતુ જ્યારે ફરિયાદીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યુ હતું કે કોન્ટ્રાક્ટ માટે લીધેલી ગાડી ગીરવે મુકવામાં આવી છે. જેથી દોઢ મહીના પહેલા પોલીસને અરજી કરી તપાસ માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે તપાસ હાથ ધરી ન હતી. જેથી ઉચ્ચ પોલીસ અધિકારીને ધ્યાને આ વાત આવતા પોલીસે ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. જેમા એક જ દિવસમાં ૪ ફરિયાદ નોંધાઈ હતી. સેટેલાઈટ અને વાસણા પોલીસે ગાડીની છેતરપિંડી અંગે તપાસ કરતા પાર્થ ઓડ કોન્ટ્રાક્ટના નામે ગાડી મેળવતો અને બાદમાં ભરત ગોહિલ અને કૌશલ ગોહિલને ગીરવે આપી દેતો હતો. આરોપીએ આવી એક બે નહી પરંતુ ૧૫ ગાડીઓની છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું. જેથી પોલીસે ગીરવે મુકેલી ગાડી કબ્જે કરવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ ગુનામાં સૌથી મોટી બેદરકારી સેટેલાઈટ પોલીસ મથકના પીઆઈ પી. ડી. દરજીની હતી. જેમણે દોઢ મહિના પહેલા મળેલી અરજીની તપાસ જ શરૂ કરી ન હતી. જેથી તેમને સસ્પેન્ડ કરી એસીપી એન ડિવીઝન દિવ્યા રવિયાને કેસની તપાસ સોંપવામાં આવી હતી. દિપન સોની નામના વેપારીએ સૌથી પહેલા ગાડીની છેતરપિંડીની અરજી કરી હતી. પરંતુ જેની તપાસ ન થતા આરોપીની હિમ્મત ખુલી અને એક બાદ એક ૧૫ ગાડી ગિરવે મુકી દેવામાં આવી હતી. પરંતુ આમાં કોઈ વકિલ અને બે પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી જે અંગે પોલીસે તપાસ આરંભી હતી.