(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૨
એસટી ડેપો પર ફરજ બજાવતા સિક્યોરિટીના ત્રણ જણાએ બે શખ્સને ધાકધમકી આપી તેની પાસેથી મળી આવેલ સોનાના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે શખ્સે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય જણાને ઝડપી પાડી રૂા.૬.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર મૂળ બિહારના પટણા જિલ્લાના બાકરગંજ ગામના હઠુવા માર્કેટ સામે રહેતો ચંદ્રશેખર શશીભુષણ સાવ તેમજ રાજકુમાર ઉર્ફે છોટુ ગત તા.૨૧મીના રોજ મોડીરાત્રે ત્રણ વાગ્યે સેન્ટ્રલ એસટી ડેપો પર ઉતર્યા હતા તે વખતે ફરજ પરના સિક્યોરિટીવાળા બન્નેસિંગ નાગરભાઇ સોઢા (મુળ રહે. મોદીની ચાલી, ગણેશપુરા સામે, ત્રણ દરવાજા બહાર, શાહપુર અમદાવાદ-હાલ રહે. કાન્હા રેસીડેન્સી વડદલા રોડ, તરસાલી), ભીમશંકર અશ્વીનીકુમાર દુબે (મુળ રહે.ગેગાસો ગામ, તા.લાલગંજ, જી. રાયબરેલી, ઉત્તરપ્રદેશ- હાલ રહે. પંચવટી, સુર્યનગર સોસાયટી, ગોરવા) તથા શબ્બીર નુરમહંમદ શેખ (રહે. સદર કોમ્પલેક્સ, ફતેગંજ)ના એ ચંદ્રશેખર અને તેના મિત્રોને રોક્યા હતા અને તેમની પાસેની બેગો તપાસી હતી. જેમાંથી રૂા.૭.૫૦ લાખના ૩૨૧ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. આ દાગીના અંગે પૂછપરછ કરી હતી. બન્ને જણાને સાઇડમાં લઇ ગયા હતા. આ દાગીના જોઇતા હોય તો રૂપિયા દોઢ લાખ આપવા પડશે તેમ કહીં મારી નાખવાની ધમકી આપી સોનાના દાગીના લૂંટી ત્રણેય જણા ફરાર થઇ ગયા હતા. બન્નેસિંગ સોઢાએ બંને જણાને પોતાનું નામ અને મોબાઇલ નંબર આપ્યું હતું. આ બનાવ અંગે ચંદ્રશેખર સાવે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચંદ્રશેખર પાસે ફોન કરાવ્યો હતો. જેથી બન્નેસિંગ સોઢાએ રૂપિયા દોઢ લાખનો બંદોબસ્ત થઇ ગયો છે. તમે ક્યાં છો તેમ કહેતા બન્નેસિંગે કમાટીબાગ ફાઇન આર્ટસ કોલેજના ગેટ પાસે આવી જાવ તેમ જણાવ્યું હતું. જેથી પોલીસ ચંદ્રશેખર અને તેમના મિત્રને સાથે રાખી સાદા વેશમાં ફાઇન આર્ટસના કોલેજના ગેટ પાસે પહોંચી ગયા હતા જ્યાંથી રૂા.૬.૩૦ લાખના સોનાના દાગીના, ૪ મોબાઇલ ફોન અને રૂા.૩૫૦૦ મળી કુલ રૂા.૬.૩૪ લાખનો લુંટનો મુદ્દામાલ કબજે કરી સિકયોરીટીના ત્રણેય જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.