(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧ર
સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવનાર “આયુષ્યમાન” બોગસ કાર્ડ કૌભાંડનો રેલો પાટણ જિલ્લામાં પણ આવ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગની તપાસમાં પાટણ જિલ્લામાં ૪૦૪ શંકાસ્પદ કાર્ડ હોવાનો પર્દાફાશ થતાં અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં પાટણ જિલ્લાના બાલીસણા ગામે એકજ પરિવારના ૯૭ અને સિદ્ધપુરમાંથી ૪૪ બોગસ આયુષ્યમાન કાર્ડ ઈશ્યૂ થવાનો ઘટસ્ફોટ થતાં હાલ બે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ તટસ્થ અને નિષ્પક્ષ બની તપાસ કરે તો હજુ વધુ કૌભાંડ સહિત મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવે તેમ છે.
ટૂંક સમય પહેલાં રાજ્યમાં એકજ પરિવારના ૧૭૦૦ બોગસ કાર્ડ નીકળ્યા હોવાનું કૌભાંડ આરોગ્ય વિભાગના ધ્યાને આવતાં ઊંડાણપૂર્વકની તપાસ કરાતાં પાટણ જિલ્લાના ૪૦૪ કાર્ડ શંકાસ્પદ જણાયા હતા. આ કાર્ડની ખરાઈ તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા ચાલી રહી છે જેમાં બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એક જ પરિવારના ૯૭ ખોટા કાર્ડ નીકળ્યા હોવાનો તપાસમાં પર્દાફાશ થતાં આરોગ્ય કેન્દ્રના એકાઉન્ટ કમ ડેટા ઓપરેટર, પ્રકાશ શ્રીમાળીને છૂટા કરવા આદેશ કરાયો છે. જ્યારે સિદ્ધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાંથી એક જ પરિવારના ૪૪ ખોટા કાર્ડ નીકળ્યા હોઈ હોસ્પિટલના આરોગ્ય મિત્ર ભરતજી ઠાકોરને છૂટા કરવા આદેશ અપાયો છે. જ્યારે શંકાસ્પદ તમામ ૪૦૪ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે, શંકાસ્પદ કાર્ડ પરથી કોઈ વ્યક્તિએ હજુ સુધી યોજનાનો લાભ લીધેલો નથી બાકીના કાર્ડની તપાસ ચાલી રહી છે.
પાટણ તાલુકામાં ૯૭, સિદ્ધપુર તાલુકામાં ૭૬, સાંતલપુર તાલુકામાં ૭૦, હારીજ તાલુકામાં ૧પ, સમી તાલુકામાં ૪૮, સરસ્વતી તાલુકામાં ૭૭ અને રાધનપુર તાલુકામાં ર૧ શંકાસ્પદ આયુષ્યમાન કાર્ડ ઈશ્યૂ થતાં તેની તપાસ કરવામાં આવી રહી છે.