(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૩
શહેરના ઉધના વિસ્તારના પટેલ નગરમાં લોકડાઉનની વચ્ચે અનાજની કીટ વિતરણ કે અન્ય કોઇ કારણોસર બે જુથના લોકો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. એકબીજા પર તલવાર અને ફટકા જેવાં હથિયારો સાથે હુમલો કરતા બે થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા જાઇ દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડી ૨૫થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના પટેલ નગરમાં સલીમ શેખ અને દારાસીંગ નામના બે માથાભારે વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી દુશ્મનાવટ ચાલી રહી છે. હાલ કોરોના વાયરસને લઇ શહેરમાં લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે. સોમવારે દારાસીંગનો ભાઇ અને કેબલના ધંધા સાથે સંકળાયેલો નાગેન્દ્ર કેબલના ફોલ્ટ માટે પટેલ નગરમાં ગયો હતો. તે દરમ્યાન સલીમના છોકરા અને તેના સાગરીતોએ તેની મજાક કરી હતી. તેને લઇને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જોતજોતામાં બંને જૂથના લોકો સામસામે તલવાર અને ફટકા લઇને દોડી આવ્યા હતા. જેમાં નાગેન્દ્રને પગમાં તલવાર વાગતા તે જમીન પર ફસડાઇ પડ્યો હતો. જ્યારે સલીમના પુત્રને માથામાં વાગતા તે પણ ઘવાયો હતો. આમ મામલો ઉગ્ર બનતા ઉધના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. ત્યારબાદ ૨૫ જેટલા તોફાની તત્વોની અટકાયત કરી હતી. ઇજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે સિવિલમાં લઇ જવામાં આવ્યા છે. ઉધના પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ બંને પક્ષની સામસામે ફરીયાદો લઇ વધુ તપાસ હાથ ધરી છે.