(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપલવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી બે જુદી જુદી ટ્રકોમાંથી પોલીસે ૨૭ પશુઓને છોડાવી ટ્રક ચાલકે ક્લીનરોની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજી ટ્રકનો ચાલક અને ક્લીનર ફરાર થઈ જતા તેને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપલવાડા ગામ પાસેથી સાયણ દરબાર ફળીયાના વતની દાઉદભાઈ મંસુરી, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કાનજીભાઈ વસાવા, રહીમખાન પઠાણ વગેરેઓ ટાટા ટ્રક નંબર જજે-૧૬-એક્સ-૮૯૭૮માં ૧૩ ભેંસો તથા ટ્રક નંબર જીજે-૧૮-એટી-૮૦૪૮માં ૧૪ ભેસો ખીચોખીચ તથા ઘાસચારા અને પાણીની કોઈ પણ વ્યવસ્થા કર્યા વિના ટ્રકમાં ભરીને જતા હતા. ત્યારે માંડવી પોલીસે રસ્તામાં બંને ટ્રકો રોકી ૨૭ મુંગા પશુઓને છોડાવ્યા હતા અને ટ્રક ચાલક અને કલીનરની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજી ટ્રકનો ચાલક જીજે-૧૦-વી-૫૫૧૦ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.