અમદાવાદ,તા.૫

કોરોના વાયરસથી રિકવર થયા બાદ ફરીથી સંક્રમણ થઈ રહ્યું હોવાના દેશ-દુનિયામાંથી કેટલાક કેસ સામે આવ્યા છે. એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર દેજા વુનો કોવિડ ૧૯ રિપોર્ટ ૨૯ ઓગસ્ટે પોઝિટિવ આવ્યો હતો. આ ડોક્ટર દેશ અને દુનિયામાં સાવ ઓછા દર્દીઓમાંથી એક છે જેમને ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અગાઉ ૧૬ એપ્રિલે તેમને કોરોના થયો હતો અને તેઓ રિકવર થઈ ગયા હતા. ચાર મહિનાના સમયગાળા બાદ ફરીથી તેમને ઈન્ફેક્શન લાગ્યું હતું. કોવિડ ૧૯નો ફરીથી ચેપ લાગવાને લઈને મેડિકલ વિભાગ અને સરકાર ચિંતિત છે ત્યારે એએમસીના અધિકારીઓએ તે વાતની પુષ્ટિ કરી છે કે, તેમને ફરીથી સંક્રમણ થયું હોય તેવા ત્રણ કેસ મળી આવ્યા છે. જેમાંથી બે દર્દીઓ રેસિડેન્ડ ડોક્ટર તરીકે કામ કરે છે, એક એસવીપી હોસ્પિટલમાં કાર્યરત છે જ્યારે અન્ય સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડોક્ટર છે. એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા, કે જેઓ અમદાવાદના કોવિડ કંટ્રોલના ઈન્ચાર્જ છે તેમણે કહ્યું કે, ‘અમે ફરીથી સંક્રમિત થયેલા આ ત્રણ કેસોની માહિતી વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને મોકલી દીધી છે. અમે પણ ખૂબ નજીકથી આ કેસોની તપાસ કરી રહ્યા છીએ કારણ કે, તેઓ અમને વાયરસની વર્તણૂક વિશે સમજ આપશે’, તેમ ગુપ્તાએ કહ્યું હતું. ફરીથી સંક્રમિત થયેલા આ દર્દીઓના જૂના તેમજ નવા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ અને વાયરસ જેનેટિક્સના વધુ એનાલિસિસ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. ગુપ્તાએ કહ્યું કે, કોવિડ ૧૯ માટેના હાલના સીરો-પોઝિટિવિટી સર્વેમાં તે જાણવા મળ્યું છે કે, કોવિડ ૧૯થી રિકવર થયેલા ૧,૮૧૬ દર્દીઓમાંથી, ૪૦ ટકા દર્દીઓના શરીરમાં એન્ટીબોડીઝ ડેવલપ થયા નથી અથવા તેમણે ગુમાવ્યા જ નથી.