(એજન્સી) તા.૩૦
પીઢ અભિનેતા ઋષિ કપૂરનું ગુરૂવારે ૬૭ વર્ષની વયે નિધન થયું હતું તે કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમના ભાઈ રણધીર કપૂરે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. અભિનય સમ્રાટ ઈરફાનખાનના મૃત્યુના બીજા દિવસે ઋષિ કપૂરનું નિધન થયું હતું. ઋષિ કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં અમર-અકબર-એન્થનીના સહ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કરી કહ્યું હતું કે, તે આ સમાચાર સાંભળી ભાંગી પડ્યા છે. આ જ રીતે બોલિવુડના અનેક સભ્યોએ પણ ઋષિ કપૂરના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મારું હૃદય ભરાઈ આવ્યું છે. આ એક યુગનો અંત છે. ઋષિ સર તમારા જેવો નિખાલસ હૃદય અને અપ્રિતમ કૌશલ્ય ધરાવતો શખ્સ ફરી નહીં મળે. હું નીતુ મેમ, રિધીમા, રણબીર અને પરિવારના બાકીના સભ્યોને આશ્વાસન આપું છું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. અભિનેતા શાહીદ કપૂરે ટ્વીટ કર્યું હતું કે, “તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો સર. તમારી અદ્ભૂત કામગીરી અમને અંધકારમય ક્ષણોમાં અમને માર્ગ ચીંધતી રહેશે. નીતુજીને આશ્વાસન.” સંગીતકાર વિશાળ દાદલાનીએ લખ્યું હતું કે, “મને લાગે છે કે, મારા બાળપણનો એક મોટો હિસ્સો જતો રહ્યો છે. હું તેમની ફિલ્મો જોઈ મોટો થયો છું. તેમના જેવું વ્યક્તિત્વ બીજા કોઈની પાસે નહીં હોય.” યશરાજ ફિલ્મસે લખ્યું હતું કે, “એક લેજેન્ડ કલાકાર તરીકે તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો.” સ્વર સાપ્રાજ્ઞી લતા મંગેશકરે કહ્યું હતું કે, “કેટલાક સમય પહેલાં ઋષિજીએ મને તેમની અને મારી આ તસવીર મોકલી હતી, તે બધા દિવસો, વાતો યાદ આવી રહી છે. હું શબ્દહીન છું.”
બે દિવસમાં બે લેજેન્ડ અભિનેતાઓનું નિધન થતાં પ્રિયંકા ચોપરાથી લઈને શાહિદ કપૂરની ઋષિ કપૂરના અવસાન પર પ્રતિક્રિયા

Recent Comments