(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના સંક્રમણ સતત પ્રસરી રહ્યું છે અને આજે આણંદના એક જ પરિવારના ત્રણ અને જીટોડિયાના એક જ પરિવારના ચાર સભ્યો મળી કુલ સાત જણાના કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્યની ટીમો દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમજ નગરપાલિકાની ટીમો દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. મળતી વિગતો અનુસાર જીટોડિયા રોડ ઉપર વૃંદાવન પાર્કમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જેમાં સંજયભાઈ અશ્વિનભાઈ શાહ (ઉ.વ.૪૮), મીનલબેન સંજયભાઈ શાહ (ઉ.વ. ૪૦), આશ્વી સંજયભાઈ શાહ (ઉ.વ. ૧૮), સૌર્ય સંજયભાઈ શાહ (ઉ.વ. ૧૫ )નાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને સારવાર માટે આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ જીટોડિયા રોડ ઉપર રહેતા અલ્પેશભાઈ શાહનું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સંજયભાઈ શાહનું પરિવાર અલ્પેશભાઈના ઘરે ગયું હતું અને જેના કારણે કોરોના સંક્રમણ પ્રસર્યું હતું અને સંજયભાઈના પરિવારને કોરોના પઝિટિવનો ચેપ લાગ્યો હતો. જ્યારે આણંદ શહેરના સરદાર ગંજમાં ઠક્કર હોલ સામે કલ્પવૃક્ષ-૨માં રાધાપાર્કમાં રહેતા વૈશાલીબેન સંજયભાઈ દોશી (ઉ.વ. ૪૭), મૈત્રી જયનીલ પટેલ (ઉ.વ.૨૨), મીત સંજીવભાઈ દોશી (ઉ.વ.૧૯) સહિત ત્રણના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જયારે અલ્પેશભાઈ શાહનાં પરિવારનાં ત્રણ સભ્યોનાં પણ કોરોનાં પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને જનરલ હોસ્પીટલનાં આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. જયારે ઈમાનેયુલ સોસાયટીમાં રહેતા વૃદ્ધનું મોત નિપજયા બાદ તેઓનો કોરોનાં પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓનાં પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.