(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
કડોદરા હરીપુરા નજીક બે બાઈક વચ્ચેના અકસ્માતમાં પાછળ બેસેલા યુવકનું ૬૦ કલાક બાદ મોત નિપજ્યું છે. બે બાઈકના અકસ્માતના બંને બાઈકના ચાર યુવકોને ઈજા પહોંચી હતી. જોકે, ભગીરથ ડુબે નામનો યુવક ઘરે ચાલી ગયા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયેલા યુવકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીનો રહેવાસી ભગીરથ દુબે ગત રવિવારની રાત્રે મિત્ર સાથે બાઈક પર એમ્બ્રોઈડરીના કારખાને જવા નીકળ્યો હતો. કડોદરા હરીપુરા નજીક રોંગસાઈડ પર આવેલા બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ ભાગીરથની બાઇક સાથે અકસ્માત કરતા બન્ને બાઈકના ચારેયને ઇજા થઇ હતી. ભગીરથને મૂંઢમાર વાગ્યો હતો. જેથી ઘરે ચાલી ગયો હતો, જ્યાં તબિયત લથડતા પરિવાર ભાગીરથને નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે દવા, ઇન્જેક્શન આપી ૧૨ કલાકમાં સારૂ થઈ જશે કહીં ઘરે રવાના કરી દીધા હતા. ઘરે પહોંચતા જ ભાગીરથ ઓટો રિક્ષામાં જ બેભાન થઈ જતા નજીકની હોસ્પિટલ બાદ સ્મીમેર લવાયો હતો. જ્યાંથી સુરત સિવિલ રીફર કરાતા દાખલ કરી એક ઓપરેશન પણ કરાયું હતું. જેમાં ભગીરથને માથામાં મગજના ભાગે લોહી જામી ગયું હોવાનું બહાર આવ્યું હતું. આજે સવારે ૫ વાગે ભાગીરથનું મોત થયું હતું. ભગીરથના મોતના પગલે પત્ની અને બે બાળકોએ છત્રછાયા ગુમાવી છે. જ્યારે આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે. યુવકના મોતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.