અમરેલી,તા.૨૪
અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે નિર્લિપ્ત રાય એ ચાર્જ સંભાળતાજ અસામાજિક પ્રવુત્તિઓ ઉપર રોક આવી ગયેલ છે. તેમજ ગુંડા તત્વો પણ ભોંય ભેગા થયેલ છે. અમરેલીની પ્રજામાં જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સારી પ્રશંસા મેળવી છે લોકોએ પણ તેની કામ કરવાની પદ્ધતિને બિરદાવી છે પોલીસ વિભાગમાં પણ બેજવાબદારી ભર્યું કામ કરતા પોલીસ કર્મચારીઓને પણ જવાબદારીનો પાઠ ભણાવેલ છે. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય અમરેલીમાં આવ્યે લગભગ ૨ મહિના થયા છે અને બે મહિનામાં તેમનાજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં બેજવાબદારી પૂર્વક કામ કરતા ૭ પોલીસ કોન્સ્ટેબલ અને એક પીઆઇ સહીત ૮ ને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરેલ છે, પ્રથમ અમરેલી સીટી પીઆઇ ચૌધરીને એક સગીરાને ભગાડીને લઇ ગયેલ શખ્સ સામેની ફરિયાદ ન લેતા તેમને સસ્પેન્ડ કરેલ હતા, જ્યારે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨ પોલીસ કોન્સ્ટેબલો એ ચાલુ ફરજે દીવમાં જઈ દારૂ પી ઝઘડો કરતા તેમને પણ સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે ગઈકાલે દામનગરમાં દારૂની મહેફિલ માણતા ૫ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી તેમને જવાબદારીનું ભાન દેવડાવ્યું છે.