(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૫,
શહેરમાં ઓનલાઇન ફુડ ડિલીવરી કરતાં બે મુસ્લિમ યુવકો ઉપર સોમા તળાવ અને ગાજરાવાડી વિસ્તારમાં બનેલા બે હુમલાઓનાં બનાવો અંગે આજે શહેરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોનાં હોદ્દેદારો અને મુસ્લિમ અગ્રણીઓએ ફુડ ડિલીવરી કરતી કંપનીનાં કર્મચારીઓએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી શહેરના તમામ નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે યોગ્ય પગલા લેવાની માંગણી કરી હતી.
શહેરની વિવિધ સંસ્થાઓ અને હોદ્દેદારો તેમજ ઓનલાઇન ફુડ ડિલીવરી કરતી કંપનીનાં કર્મચારીઓ મળી ૩૫૦ જેટલા લોકોએ સાદીક પટેલ તથા મૌલાના રફીક સાહેબની આગેવાનીમાં શહેર પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વડોદરા શહેર સંસ્કારીનગરી તરીકે ઓળખાય છે. તેમાં દરેક ધર્મ અને જાતિનાં લોકો સુલેહ-શાંતિથી રહે છે. પરંતુ છેલ્લાં ૨ મહિનામાં વિવિધ રાજ્યોમાં કોઇ એક ધર્મની વ્યકિતને લક્ષ બનાવી તેની સાથે અમાનવીય વ્યવહાર, મારપીટ કરવામાં આવે છે. કેટલાક બનાવોમાં પિડીતો મૃત્યુ પણ પામ્યા છે.
ગત તા.૧૦મી જુલાઇનાં રોજ ગાજરાવાડી ગીતા મંદિર પાછળ અનિલ ખીલવાણી તથા તેના ત્રણેક મિત્રોએ ઉબેર ઇટસ્‌ ની ડિલીવરી બોય તરીકે નોકરી કરતાં સાજીદ અબ્બાસભાઇ પટેલ (રહે. ઝમઝમપાર્ક, તાંદલજા)ને મારમાર્યો હતો અને રૂપિયા પણ આપ્યા ન હતા. જે અંગેની ફરિયાદ વાડી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આજ પ્રમાણે બીજો બનાવ ઝોમેટો ડિલીવરી તરીકે કામ કરતાં સુમેર કડીવાલાને ગત તા.૧૩ ની જુલાઇનાં રોજ રાત્રીનાં સમયે પાર્સલ ડિલીવરી કરવા જતી વખતે કેટલાક અજાણ્યા યુવકોએ જાતિ વિરુદ્ધ અપમાજનક શબ્દો ઉચ્ચારી પાઇપથી અને ગદડાપાટુનો માર માર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે. જમીઅતે-ઉલમા હિન્દનાં ઉપપ્રમુખ સાદીક પટેલ, મૌલાના રફીક સાહેબ, મુફતી ઇમરાન સાહેબ, યુનાઇટેડ ફોરર્મના ઇકબાલખાન, ઇમ્તીયાઝ શેખ, જુબેર ગોપલાણી,જમાતે ઇસ્લામીનાં શોકત ઇન્દોરી, અનવર ઇન્દોરી, રસીદ કોઠારી, અજીજ સૈયદ યુવા શહેર કોંગ્રેસનાં પ્રમુખ અશફાક મલેક તેમજ મુસ્લિમ અગ્રણીઓ આઇ ડી પટેલ, મુફતી ખલીક સહિતનાં લોકોએ શહેરમાં ઉપરાછાપરી બનેલા બનાવોને પગલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સાદીક પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં બનાવોનાં પડઘા અન્ય સમાજમાં પડે અને પિડીતોનાં સમાજમાં પ્રતિક્રિયા થાય અને શહેરની સુલેહ-શાંતિ જોખમાય તે પહેલા આરોપીઓને સખતમાં સખત નસીહત થાય તથા પિડીતોને ન્યાય મળે તે બાબતે યોગ્ય તાત્કાલીક અસરકારક પગલા લેવાની માંગણી પોલીસ કમિશ્નર સમક્ષ કરી હતી.