અમદાવાદ, તા.ર
કોરોનાની મહામારીને લીધે માસ્ક, સેનિટાઈઝરની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એટલે અમદાવાદના એક વેપારીને બે લાખ માસ્ક આપવાના નામે રૂા.૧૭.પ૦ લાખની છેતરપિંડી કરનારા ગઠિયાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે માર્ચ મહિનામાં દિપેન પટેલ (જે.જે. એન્ટરપ્રાઈઝ) વાપી તથા દિપ ટ્રેડિંગ અને પી. વિજયકુમાર આંગડિયા પેઢીના અતુલ ભટ્ટે ભેગા મળી એક વેપારીને બે લાખ માસ્ક રૂા. રપ લાખમાં આપવાનું કહ્યું હતું. તેના એડવાન્સ પેટે તેઓએ રૂા.૧૭.પ૦ લાખ લઈ સમય મર્યાદામાં માસ્કની ડીલીવરી આપી નહીં તેમજ અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે આવેલી આંગડિયા પેઢીની ઓફિસ બંધ કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી આરોપી અતુલ લક્ષ્મીચંદ ભટ્ટ (ઉ. ૬૩ રહે. કે.કે. નગર ઘાટલોડિયા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અતુલે વાપીમાં રહેતા તેમના ઓળખીતા સતીષભાઈએ તેમને ફરિયાદીને વિશ્વાસમાં લઈને માસ્ક આપવાનું કહી રોકડ લઈ લીધી હતી. ઉપરાંત તેણે માધુપુરા ખાતે આંગડિયા પેઢીની ઓફિસ બનાવી તેમાં ફરિયાદીએ રકમ જમા કરાવતા તે રકમમાંથી સતીષભાઈએ તેમને રૂા. અઢી લાખ આપ્યા હતા તેમજ સતીષભાઈએ ફરિયાદીને તેમનું નામ દિપેન પટેલ હોવાનું જણાવ્યું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે હાલ આરોપી અતુલ ભટ્ટની ધરપકડ કરી માધુપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, આરોપી અતુલ ભટ્ટ અગાઉ વર્ષ-ર૦૦૧માં નવરંગપુરા, ઘાટલોડિયા, એલીસબ્રિજ પોલીસ સ્ટેશન તથા સીબીઆઈ ખાતે બેંકમાં હાઉસીંગ લોનના છેતરપિંડીના રર ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ પકડાયેલો આરોપી અતુલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્યારે તેને અન્ય લોકોને પણ માસ્ક આપવાના નામે છેતરાયા છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.