(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
આંતરજ્ઞાતિય અથવા આંતરધર્મી યુવક યુવતીઓના લગ્ન માટે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. આ પ્રમાણે લગ્ન કરતા યુવક યુવતીઓને સમાજની આગેવાન બની બેઠેલ ખાપ પંચાયતો ત્રાસ આપતી હતી અને ઘણી વખત જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. ખાપ પંચાયતોની આ પ્રકારની દરમિયાનગિરીને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યો છે.
સુપ્રીમ કોર્ટની બેંચના સીજેઆઈ દીપક મિશ્રાની બેંચે આના માટે દિશા નિર્દેશ બહાર પાડી જણાવ્યું કે, જ્યાં સુધી સરકાર કાયદો ઘડે ત્યાં સુધી આ નિર્દેશો અમલમાં રહેશે.
શક્તિવાહિની એનજીઓએ અરજી દાખલ કરી હતી અને માગણી કરી હતી કે સંમતિથી લગ્ન કરનાર યુગલોનું રક્ષણ કરવામાં આવે. અરજી ર૦૧૦ના વર્ષમાં કરાઈ હતી. આ વર્ષે માર્ચમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાલમાં ચુકાદો જાહેર કરતા જણાવ્યું કે, બે વ્યક્તિઓ પછી એ ભલે ગમે તે જાતિ, જ્ઞાતિ, ધર્મના હોય એ લગ્ન કરી શકે છે એમાં ત્રાહિત વ્યક્તિઓને દરમિયાનગિરી કરવાનો અધિકાર નથી. આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર પણ હાજર રહી હતી એમણે પણ કોર્ટને જણાવ્યું કે, આ રીતે લગ્ન કરનાર યુગલોને રાજ્ય સરકારે રક્ષણ પૂરું પાડવું જોઈએ. યુગલોએ પણ સરકારને લગ્ન પહેલાં જણાવવું જોઈએ જેથી સરકાર રક્ષણ પૂરું પાડી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાપ પંચાયતોના અસ્તિત્વને માન્યતા નથી આપતા, એ ફક્ત લોકોની સભા માત્ર છે જેને કોઈ પણ પ્રકારના અધિકારો નથી. જેથી એ સમાજ અથવા કોમની દોરવણી કરી શકે.
ઉત્તર ભારતના રાજ્યો જેમાં મુખ્યત્વે હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન છે ત્યાં ખાપ પંચાયતો અસ્તિત્વ ધરાવે છે. એ પોતાના હિસાબે જૂના રીતિ-રિવાજોના આધારે લોકોનું ન્યાય પણ તોળે છે અને ગુનેગારોને સજાઓ પણ આપે છે. છેલ્લા કેટલાક સમયથી એમના તઘલકી નિર્ણયોથી ખાસ કરીને મહિલાઓ ઉપર વધુ ત્રાસ ગુજારવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ખાપ પંચાયતોને પણ ચેતવણી આપી જણાવ્યું કે તમે સમાજની આત્માની ઠેકેદારી નહીં કરો. જે કોઈ વ્યક્તિ પ્રવર્તતા કાયદોનું પાલન કરી કૃત્યો કરે છે એમની વચ્ચે દરમિયાનગિરી નહીં કરો. વધુમાં જણાવ્યું કે બે પુખ્ત વયની વ્યક્તિઓ લગ્ન કરે તો એમાં અવરોધો ઊભા નહીં કરો. ખાપ પંચાયતોએ આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં રજૂઆતો કરતાં કહ્યું હતું કે, અમે પણ આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણમાં છીએ પણ ફક્ત હિન્દુઓમાં જે લગ્નો ઉપર પ્રતિબંધ મૂકાયેલ છે એનો જ વિરોધ કરીએ છીએ.