(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
ગુજરાતની ભાજપ સરકાર આમ તો તમામ વર્ગની ચિંતા કરતી સંવેદનશીલ સરકાર હોવાનો દાવો કરે છે પરંતુ રાજ્યમાં કેટલાક વર્ગની ખરી સ્થિતિ કંઈક જુદી જ છે. સરકારના જ દફતરેથી બહાર આવેલી વિગતમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૯૩૦ ખેતમજૂરોના મૃત્યુ થવા પામ્યા હોવાનું અને તેમાં પણ વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, આ ગરીબ ખેતમજૂરોના વારસદારો ઝડપથી સહાય મળી જાય એ જ ખરી સંવેદના કહેવાય તેને બદલે આ સંવેદનશીલ સરકારના રાજમાં માત્ર ૧૪ર કેસમાં જ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે જ્યારે ૭રર જેટલા સહાયના કેસ હજુ પડતર છે.
ગુજરાત સરકારની સંવેદનની ખરી હકીકત વર્ણવતી આ વિગતો સરકારના જ મંત્રીએ આપેલ જવાબમાંથી બહાર આવી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે કે, રાજ્યભરના ર૦ જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૯૩૦ ગરીબ ખેતમજૂરોના અકસ્માતે મૃત્યુ થયેલ છે. રાજ્યના આ જિલ્લાઓમાં રર.૬૭ લાખ ખેતમજૂરો નોંધાયેલા છે. તે પૈકી ગરીબ ખેતમજૂરોના મોતના વધુ સૌથી કેસો અમરેલી જિલ્લામાં ૯૦ બનેલ છે તે પછી બનાસકાંઠામાં ૮૬ અને આણંદ જિલ્લામાં ૮૩ કેસ બનેલ છે.
ખેતમજૂરોના કામ કરતા આ ગરીબ ખેતમજૂરોના અકસ્માતે મૃત્યુ થવાના કિસ્સામાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવતી હોય છે ત્યારે સરકારની સહાય ચૂકવવાની પ્રક્રિયા કહો કે પછી તંત્રની લાપરવાહી. આ ૯૩૦ મૃત્યુના કેસો પૈકી માત્ર ૧૪ર કેસોમાં જ સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે જ્યારે આ ર૦ જિલ્લાઓના ૭૮૮ કેસોમાં હજુ સુધી સહાય ન ચૂકવાતા સરકારી દફતરે તે પડતર છે. ર૦ જિલ્લા પૈકી સૌથી વધુ ખેતમજૂરો ભરૂચ જિલ્લામાં ૬.૦૩ લાખ નોંધાયેલા છે. તે પછી આણંદમાં ર.૧૮ લાખ અને બનાસકાંઠામાં ૧.પ૯ લાખ ખેતમજૂરો નોંધાયેલા છે. સરકાર એક તરફ ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમની મંજૂરીઓની વાતો કરે છે અને બીજી તરફ ગરીબ મજૂરોના પરિવાર સહાય માટે તરસે છે !!!