(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૬
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઘરેલું કંકાશથી કંટાળી પતિથી અલગ રહેતી પરિણીતાએ બે માસુમ સંતાનોને ઉંદર મારવાની દવા દૂધમાં નાંખીને પીવડાવી પોતે પણ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બે માસુમની હત્યાનો પ્રયાસ કરવા બદલ માતાની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માતાનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ૧૫ દિવસ બાદ હોમ ક્વોરોન્ટાઈન પૂર્ણ થતા ધરપકડ કરાઈ છે.
નાના વરાછાના યોગી ચોક વિસ્તારના સાવંત પ્લાઝામાં રહેતા હીરા દલાલ જીતેશ છગન લાઠીયાના લગ્ન વર્ષ ૨૦૦૬માં લતા સાથે થયા હતા. તેમને સંતાનમાં ૧૩ વર્ષીય પુત્રી લોકો અને ૭ વર્ષીય પુત્ર વિધાન છે. મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો જીતેશ અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી જીતેશ અને તેની પત્ની લતા વચ્ચે ઘરેલું કંકાશ ચાલી રહ્યો હતો. ૧૫ દિવસ અગાઉ લતાએ વહેલી સવારના અરસામાં લોકા અને વિધાનને ઉંઘમાંથી ઉઠાડી ઉંદર મારવાની દવા નાંખી દૂધ પીવડાવ્યું હતું અને પોતે પણ એક ગ્લાસ દુધ પીધું હતું. લતાએ બંન્ને માસુમને દૂધ પીવડાવ્યા બાદ કહ્યું હતું કે, હું જીંદગીથી કંટાળી ગયેલું છું જેથી હું મરી જાઉં અને અને તમને બંન્ને પણ મારી નાખું તેવું નક્કી કરી મેં ઉંદર મારવાની દવાની ગોળી દૂધમાં નાંખી દીધેલી હતી. બે સંતાન અને માતાને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે જે તે વખતે બે માસુમની હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં પોલીસે માતા લતાબેનને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ધરપકડ પૂર્વે કોરોનાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં લતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. ત્યાંથી રિકવર થતા હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. ગત રોજ હોમ ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂર્ણ થતા પોલીસે ધકપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.