(એજન્સી) અમ્માન, તા. ૮
બૈરૂતમાં મંગળવારે થયેલા શક્તિશાળી વિસ્ફોટને પગલે જોર્ડનમાં લેબેનોનના રાજદૂત ટ્રેસી કેમોને રાજીનામું આપી દીધું છે. તેમણે વિસ્ફોટમાં સરકારની બેદરકારી સામે આવ્યા બાદ આ નિર્ણય લીધો છે. બૈરૂતના વિસ્ફોટમાં ૧૫૭ લોકોનાં મોત થયા છે જ્યારે ૫૦૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે. શુક્રવારે ટેલિવાઇઝ્‌ડ સંબોધનમાં ચેમોને દાવો કર્યો હતો કે, સરકારની અમલદારશાહી લાંબા સમય સુધી ચલાવી ના શકાય અને ઉમેર્યું હતું કે, રાજદૂત તરીકે હું મારા રાજીનામાની જાહેરાત કરૂં છું. આ દેશની બેદરકારી, ચોરી અને જુઠ્ઠાણાનો વિરોધ છે. ૨૦૧૭થી જોર્ડમાં લેબોનોનના રાજદૂત તરીકે ફરજ બનાવનારા કેમોને કહ્યું કે, સરકારની ચકાસણી ન કરવાની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે વિસ્ફોટ થયો અને આનાથી મને દુઃખ થયું છે જેણે મને રાજીનામું આપવા પ્રેરિત કરી છે. સત્તામાં બેઠેલાઓએ પણ રાજીનામું આપી દેવું જોઇએ. શા માટે તેઓ રાજીનામું આપતા નથી. ઉલ્લેખનીય છે કે, બૈરૂતના પોર્ટ પર છેલ્લા છ વર્ષથી અસુરક્ષિત રીતે ૨૭૫૦ ટન એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો સંગ્રહ કરીને રખાયો હતો જેના કારણે શહેર તબાહ થઇ ગયું અને ૧૫૦થી વધુ લોકો મોતને ભેટ્યા તથા હજારો લોકો ઘાયલ થયા. વિસ્ફોટ બાદ હજુ પણ એવું માનવામાં આવે છે કે, ઇમારતોના કાટમાળ નીચે અનેક લોકોના મૃતદેહો દટાયેલા હોઇ શકે છે. વિસ્ફોટના ૨૬ કલાક બાદ એક યુવતીને કાટમાળની નીચેથી જીવિત બહાર કાઢવામાં આવી હતી.