(એજન્સી) તા.૭
બૈરૂત બંદરમાં વિસ્ફોટ પછીના વ્યવહારમાં મદદ કરવા તાત્કાલિક તબીબી સહાય ઉપરાંત લેબેનોને બુધવારે કતાર, ઈરાન અને જોર્ડન પાસેથી ચાર ફિલ્ડ હોસ્પિટલો મેળવી છે. મંગળવારે બૈરૂતના બંદરમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેથી વિનાશ સર્જાતાં ૧૧૩ લોકોના મોત નિપજ્યા હતા. ૪૦૦૦ જેટલા લોકો ઘાયલ અને ઈજાગ્રસ્ત થયા હતા અને ૩,૦૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. એનાદોલુ એજન્સીના અહેવાલ મુજબ, કતારે પ૦૦ પથારીની ક્ષમતા ધરાવતા બે ફિલ્ડ હોસ્પિટલો લેબેનોનમાં મોકલી. જ્યારે ઈરાક અને જોર્ડને એક-એક ફિલ્ડ હોસ્પિટલો મોકલી. બે ફિલ્ડ હોસ્પિટલો અને તબીબી પુરવઠો ધરાવતું એક અમિરી વાયુસેનાનું વિમાન બૈરૂતના રફીક હરીરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે કતારથી બૈરૂત પહોંચ્યું હતું. વધુમાં કિંગ અબ્દુલ્લાની સૂચના પર એક ફિલ્ડ હોસ્પિટલનું વિમાન જેમાં તમામ તબીબી પુરવઠા અને સુવિધાઓ અને જરૂરી કર્મચારીઓ સાથે તબીબી સેવા આપવા માટે લેબેનોન પહોંચી ગયું હતું. ઈરાકના તેલપ્રધાને લેબેનીઝ વડાપ્રધાન હસ્સાન દિયાબે માહિતી આપી કે બગદાદ, બૈરૂતને ઈંધણ સહાય પહોંચાડશે. લેબેનીઝ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ લેબેનીઝ મીડિયાએ આ પણ અહેવાલ આપ્યો છે કે ઘઉંના વહાણ શુક્રવારે ઈરાકથી અહીંયા પહોંચશે, કારણ કે વિસ્ફોટ પછી લેબેનોનનું પાટનગર ઘઉંની તંગીથી પીડાઈ રહ્યું છે. અલ-જઝીરા મુજબ, સ્થાનિક લેબેનીઝ મીડિયાએ સંકેત આપ્યો છે કે ફ્રાન્સે પણ લેબેનોનને સહાય મોકલી છે અને યુએસના રાજ્ય સચિવ માઈક પોમ્પિયોએ પૂર્વ લેબેનીઝ વડાપ્રધાન સાદ હરીરીને માહિતગાર કર્યું કે તેમનો દેશ લેબેનોનને તાત્કાલિક સહાય રવાના કરશે. લેબેનોન હાલમાં ગંભીર આર્થિક અને રાજકીય સંકટ અને કટોકટીથી પીડિત છે અને એવો ભય લાગે છે કે આંતરરાષ્ટ્રીય સમર્થન વગર વિસ્ફોટના પરિણામથી તે કદી પણ પુનઃ પ્રાપ્ત નહી થઈ શકે.