(એજન્સી)                                              બૈરૂત, તા.૧૨

બૈરૂતમાં ગઈકાલે રોષે ભરાયેલ દેખાવકારોએ જોરશોરથી ગયા અઠવાડિયે બૈરૂત બંદર પર થયેલ વિસ્ફોટમાં મૃત્યુ પામેલ ૧૭૧ વ્યક્તિઓના નામો ઉચ્ચાર્યા હતા અને લેબેનોનના રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓના રાજીનામાં માંગ્યા હતા જેમને આ દુર્ઘટના માટે તેઓ દોષિત માને છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપર ભેગા થયેલ લોકો પીડિતોના ફોટાઓ લાવ્યા હતા અને મોટા સ્ક્રીન ઉપર ધુમાડાના ફોટાઓ પણ દર્શાવ્યા હતા. આ દુર્ઘટનામાં ૬,૦૦૦થી વધુ લોકો ઘવાયા હતા અને હજારો લોકો ઘર વિહોણા બન્યા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, સરકારો આવે છે અને જાય છે પણ અમારૂં આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી રાષ્ટ્રપતિ અને સંસદના સ્પીકરને બરતરફ નહીં કરવામાં ના આવે. આવું લખાણ રાષ્ટ્રપતિ માઈકલ અઔનના પોસ્ટર પર અને પ્રદર્શન સ્થળ પર લખેલ હતું. રોઈટરે દસ્તાવેજો અને સુરક્ષા અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને જુલાઈ મહિનામાં એમોનિયમ નાઇટ્રેટ ભેગું થયેલ હોવાની માહિતી આપવામાં આવી હતી. અઔને સખ્ત પગલાં લેવાની અને પારદર્શી તપાસ કરાવવાની ખાતરી આપી હતી, એમણે ટ્‌વીટ કરી લખ્યું હતું કે, હું બધા દુઃખી લેબેનીઓને વચન આપું છું કે, જ્યાં સુધી હકીકતો બહાર નહીં આવશે ત્યાં સુધી હું શાંત રહીશ નહીં. બૈરૂતના રહીશો હજુ પણ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. અનુમાન છે કે ૩૦-૪૦ લોકો હજુ પણ લાપતા છે અને તોફાનીઓ ઉપર પોલીસે છોડેલ ટીયરગેસથી પણ ઘણા બધા ઘવાયા હતા. લેબેનીયનો વડાપ્રધાન હસન દિઆબ અને એમની સરકારના રાજીનામાથી સંતુષ્ટ નથી અને તેઓ ભ્રષ્ટાચારી શાસકોને દૂર કરવા માગણી કરી રહ્યા છે જેમના લીધે દેશની આ હાલત થઈ છે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ફાંસીના માંચડાઓ (નેતાઓ માટે) ઊભા નહીં કરાશે ત્યાં સુધી અમે શાંત નહીં રહીએ. કેબિનેટ સાથે રાજીનામું આપતી વખતે વડાપ્રધાને વિસ્ફોટ માટે ચાલી આવતી લાંચ રૂશ્વતને જવાબદાર ઠેરવ્યું હતું. આ વિસ્ફોટ બૈરૂતના ઈતિહાસમાં ખૂબ જ ભયંકર ઘટના છે. જેના લીધે સમગ્ર અર્થતંત્ર હચમચી ગયું છે. દેશનું ચલણ ખાડે ગયું છે, અતિશય મોંઘવારી થઈ ગઈ છે, બેંકિંગ સિસ્ટમ ભાંગી પડી છે. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સાથેની વાટાઘાટો પણ અટકી ગઈ છે. લેબેનીયનો જણાવે છે કે, આર્થિક કટોકટીમાં આ વિસ્ફોટે બળતામાં ઘી ઉમેર્યું છે.