(એજન્સી) તા.૩૦
નાઈજીરિયાના લોકોને ફરી એક વખત આતંકવાદી સંગઠન બોકોહરમના આતંકનો સામનો કરવો પડી રહ્યો છે. આ કટ્ટરવાદી સંગઠને મોટી ઘટનાને અંજામ આપતા ૧૧૦ નાઈજીરિયન નાગરિકોના કત્લેઆમ કરી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ મુજબ ઈસ્લામિક સંગઠન બોકોહરમના હત્યારાઓએ ખેતરમાં કામ કરી રહેલા ૧૧૦ લોકોની નિર્મમ રીતે હત્યા કરી દીધી છે. બોકોહરમ આતંકવાદીઓના એક હથિયારબંધ સમૂહે આ લોકોની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી છે અને તેમની મહિલાઓને ઉઠાવીને પોતાની સાથે લઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ નિર્મમ હુમલામાં ઘઉંના ખેતરમાં કામ કરી રહેલા આ મજૂરોને પહેલા પકડીને બાંધી દીધા અને ગળું કાપી નાખ્યું. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ હુમલાની ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ હત્યાઓથી સંપૂર્ણ દેશ ઘાયલ થયો છે. નાઈજીરિયામાં સંયુક્ત રાષ્ટ્રના માનવીય સમન્વયક એડવર્ડ ક્લોને જણાવ્યું કે બોકોહરમે ઓછામાં ઓછા ૧૧૦ લોકોની ગળું કાપીને હત્યા કરી નાખી છે. તે ઉપરાંત હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. સૂત્રો મુજબ આ ઘટના કોશોબેની છે જે મુખ્ય શહેર મેડુગુરી પાસે જ સ્થિત છે. હત્યારાઓએ ઘઉંના ખેતરમાં કામ કરનારા લોકોની જાહેરમાં હત્યા કરી. શરૂઆતમાં આ આંકડો ૪૩ હતો જે પછી વધીને ૭૦ થઈ ગયો અને હવે ૧૧૦ પર પહોંચી ગયો છે. આ ઘટના સૌથી હિંસાત્મક રીતે સીધા સામાન્ય નાગરિકો પર કરવામાં આવેલો હુમલો છે. આ હત્યારાઓ પર કાયદાનો શિકંજો કસવાની જરૂર છે.