(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
અમદાવાદની ડાયરેક્ટ્રટ જનરલ ઓફ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ તેમજ ડીઆરઆઇ વિભાગ દ્વારા પાછલા અઠવાડિયે સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા પાયે દસ્તેવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બોગસ બિલીંગ કૌભાંડમાં કેટલાક મોટા ઉદ્યોગકારોના નામ બહાર આવે તેવી શક્યતા જણાઇ રહી છે.
કાપડ ઉદ્યોગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટી લાગુ થવાની સાથેજ કેટલાક ભેજાબાજોએ બોગસ બિલીંગ વડે કેન્દ્ર સરકારને ચુનો લગાડવાની શરુઆત કરી છે. કેટલાક લોકો જીએસટીમા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કોઇ પણ પ્રકારની ખરીદી કે વેચાણ વગર બોગસ બિલો તૈયાર કરે છે અને કેટલાક ઉદ્યોગકારો તેને ખરીદી લે છે. બિલ વેચનારે સરકારને કોઇ ટેક્સ ચુકવ્યો નથી. પરંતુ તેની પાસે બિલ ખરીદનારાઓ બિલના આધારે સરકાર પાસે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લે છે. સુરત સમેત દેશભરમાં આવા લોકો સામે તપાસ શરુ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ બોર્ડ દ્વારા દેશભરમાં તમામ કમિશ્નરેટને આવા ખોટાકબાડા કરનારા વેપારીઓની યાદી આપવામાં આવી છે. જેના આધારે હાલ દેશભરમાં તપાસનો દોર જારી છે. સુરતમાં પણ પાછલા અઠવાડિયે અમદાવાદ ડીજીજીએસટી અને ડીઆરઆઇ દ્વારા સુરતમાં પણ આઠ જેટલા ઠેકાણે સર્ચની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક લોકોએ એક્સપોર્ટના ખોટા બીલોના આધારે ખોટી રીતે આઇજીએસટી રિફંડ મેળવી સીધા હોવાનું બહાર આવ્યું હતું. વિભાગે મોટા પાયે દસ્તાવેજો અને એક કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. હવે વિભાગે જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે તપાસ શરુ કરી છે.
જેમાં સુરતના કેટલાક મોટા કાપડ નિકાસકારોના નામ પણ સામેલ હોવાની આશંકા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ડીઆરઆઇ વિભાગ તેમના ત્યાં પણ તપાસ શરુ કરે તેવી શક્યતા છે.