ધંધુકા, તા.૧૦
આજના હાઈફાઈ યુગમાં બાળકો માતા-પિતાની આજ્ઞાને અવગણી પોતાની આગવી જીંદગી જીવી રહ્યા છે તેની પ્રતિતિ કરાવતો એક કિસ્સો બોટાદ જિલ્લામાં નોંધાયો છે. જે માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે. જો માતા-પિતા પોતાના સંતાનો પ્રત્યે સચેત નહીં રહે તો તેના પરિણામો ભોગવવા તેમણે તૈયાર રહેવું પડશે.
ઉક્ત માતા-પિતા માટે આંખ ઉઘાડનાર કિસ્સાની વિગત મુજબ બોટાદ શહેરમાં રહેતા રમેશ મથુરભાઈ મકવાણાનો દીકરો તા.૭/૩/ર૦૧૯ના રોજ ગુમ થઈ ગયો હતો. જેની ઘણી શોધખોળ કરવા છતાં કોઈ પતો લાગ્યો ન હતો. જે અંગે બોટાદ પો. સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બોટાદ પો. સ્ટેશનના પો.ઈ. આર.બી. કરમટિયા તથા હેડ કોન્સ. રાજુ જાદવ તથા સંજય અલગોતરને નવ મહિનાની લાંબી તપાસ દરમ્યાન માહિતી મળી હતી કે, ઉક્ત કિશોર એક આધેડ મહિલાના પ્રેમમાં ગળાડૂબ છે જેથી પોલીસે આ આધેડ મહિલા કોણ છે ? ક્યાંની વતની છે ? તે અંગે ગુપ્ત રીતે માહિતી એકત્ર કરી આ અંગે જીણવટભરી તપાસ કરતાં ગુમ થનાર કિશોર વિમલ મકવાણા પરિવારમાં કોઈને કહ્યા વિના ઘરેથી પ્રેમમાં પડેલ મહિલાની સાથે નીકળી ગયેલ અને અમદાવાદ શહેરના નિકોલ ખાતે બંને મૈત્રી કરારથી રહેતા હતા જેથી બંને ઉક્ત સ્થળેથી શોધી કિશોરને તેના માતા-પિતા સાથે ભેટો કરાવતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આમ બોટાદ પોલીસે એક પ્રસંશનીય કામગીરી કરી હતી.