અમદાવાદ, તા.૩
પાલડી ખાતે આવેલ બોડીલાઈન હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલ દર્દી પાસેથી ચાર્જ ઉઘરાવ્યો હોવાની ફરિયાદ આવતા કોર્પોરેશન દ્વારા એપીડેમીક ડીસીઝ એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલને નોટિસ ફટકારી છે. કોરોના મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલના ૫૦ ટકા બેડ કોરોનાના દર્દી માટે અનામત રાખવાના છે. જેમાં કોર્પોરેશન સાથે થયેલ એમઓયુ મુજબ હોસ્પિટલે કોવિડ-૧૯ના દર્દીનીસારવાર કરવાની હોય છે પરંતુ હાટકેશ્વર વિસ્તારના રહેવાસી હંસાબેન વી.પરમારને કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ દ્વારા ૨જી જૂને બોડીલાઈન હોસ્પિટલ રીફર કરાઈ હતી. આથી કોઈપણ પ્રકારના ચાર્જીસ દર્દી પાસેથી વસુલ કરવાના નથી હોતા. આમ છતાં બોડીલાઈન હોસ્પિટલે ૩જી જૂને કોવિડ ટેસ્ટ પેટે ૪૫૦૦ રૂપિયા વસુલ કર્યાની ફરિયાદ આવી હતી. આઉપરાંત એક અન્ય દર્દીએ ફરિયાદ કરતા આરોગ્ય વિભાગે એપેડેમીક ડીસીઝ એક્ટ કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલ સત્તાવાળાઓનો જવાબ માગેલ છે.