(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.૧૩
બોડેલી તાલુકાના ઘરોલીયા ગામે મુંબઈ જૈન દેરાસરમાંથી પરત આવેલા ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવતા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. કોરોના વાયરસ ગામડાઓમાં દેખાતા લોકો ચિંતામાં મૂકાય છે.
બોડેલી ગામથી ૮ કિ.મી. દૂર બોડેલી તાલુકાના ઘરોલીયા ગામે ત્રણ યુવાનો રાઠવા નિલેશભાઈ બચુભાઈ, કોલી શૈલેષભાઈ રામજીભાઈ, રાઠવા વિજયભાઈ નારણભાઈ મુંબઈ જૈન દેરાસર પૂજારી તરીકે ગયા હતા. જેઓ તા.૮ કે ૯ના રોજ મુંબઈથી પરત પોતાના ગામ ઘરોલીયા આવી ગયા હતા અને તેઓ તા.૧૧ના રોજ છોટાઉદેપુર ખાતે કોરોના માટે સેમ્પલ લેવાયો હતો. ૧ર તારીખ ત્રણ યુવાનોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા જેને લઈ અધિકારીઓમાંદોડધામ મચી જવા પામી છે અને બોડેલી પોલીસ અને મામલતદાર સહીત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઘરોલીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરનો વિસ્તા રબંધ કરી કલસ્ટર ક્વોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી છે.