(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.રપ
બોડેલી તાલુકાના રાવપુરા ગામે દારૂની રેડ કરવા ગયેલ બે પોલીસ કર્મી અને હોમગાર્ડ પર કુહાડીના ઘા કરી જીવલેણ હુમલામાં ૧૧ ઈસમો વિરૂદ્ધ નામથી અને ત્રીસ માણસોના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોડેલી પોલીસ સ્ટેશનની ચલામલી આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓ ભરતભાઈ કાંતિભાઈ, બાવચંદભાઈ ભગવાનભાઈ અને એક જીઆરડી સભ્ય ગિરીશભાઈ અશ્વિનભાઈ રાઠવા ગાડીમાં બોડેલી તાલુકાના રાવપુરા ગામે કોઢી ફળિયામાં રાતે દારૂ રેડ કરવા જતાં ફળિયાના ઈસમો ભૂરાભાઈ તડવી, સોમાભાઈ તડવી, પ્રભાતભાઈ તડવી, નરેન્દ્રભાઈ, વિજયભાઈ તડવી, અજયભાઈ જેશિંગભાઈ તડવી, નરસિંહભાઈ જેસિંગભાઈ તડવી, ગણપતભાઈ કેશુરભાઈ તડવી અને બીજા ૩૦ જેટલા માણસોનું ટોળું ભેગું થઈ હાથમાં લાકડીઓ, કુહાડી ધારિયા જેવા મારક હથિયારો લઈ અમારા ગામ કેમ દારૂની રેડ કરવા આવ્યા છો ? કહીને કુહાડીના ઘા મારવા લાગેલ જેમાં બન્ને પોલીસકર્મી ભરતભાઈ અને બાવચંદભાઈ લોહીલુહાણ થઈ સ્થળ પર જ બેહોશ થઈ ગયા હતા અને બીજા ગામના સરપંચ સ્થળ પર દોડી આવી બન્ને પોલીસ વાળાને ગાડીમાં નાખી સારવાર અર્થે બોડેલી ખાનગી દવાખાને મોકલી આપ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા દોડી આવ્યા હતા. પોલીસે ૧૧ ઈસમો નામ સાથે અને ૩૦ માણસો ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી અટકની સિલસિલો ચાલુ કર્યો છે.