(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
શ્રીદેવીના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને આખો દેશ આઘાતમાં સરી પડ્યો છે. બોલીવૂડના સિતારાઓથી લઈને સામાન્ય વ્યક્તિએ આ દિગ્ગજ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. શ્રીદેવી ર૪ ફેબ્રુઆરીના રોજ દુબઈની એક હોટલના રૂમના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી હતી. ત્યારબાદ જાણ થઈ કે શ્રીદેવીનું મૃત્યુ થઈ ગયું છે. શ્રીના મૃત્યુના સમાચાર સાંભળીને બોલીવૂડમાં ઉદાસી ફેલાઈ ગઈ છે. દક્ષિણી સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને શ્રીના મૃત્યુ અંગે ટ્‌વીટર પર દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
બીજી તરફ શ્રીના મૃત્યુના સમાચાર આવ્યા બાદ રામગોપાલે શ્રી માટે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ઘણું બધું લખ્યું કે તેઓ શ્રીને મારવા માટે ભગવાનને નફરત કરે છે અને તેમ પણ લખ્યું કે તે શ્રીનું મૃત્યુ થવાને કારણે શ્રીને પણ નફરત કરે છે. ત્યારબાદ રામગોપાલ વર્માએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શ્રીદેવી માટે એક પત્ર લખ્યો છે. પત્રમાં વર્માએ લખ્યું છે કે શ્રીદેવીની શાનદાર અને ખુશ જોવા મળતી જિંદગીની પાછળ એક નાખુશ સ્ત્રી છૂપાયેલી હતી. હકીકતમાં શ્રીદેવી ખુશ નહોતી. તેમની માતા માનસિક રીતે અસ્વસ્થ હતી. યુ.એસ.એ.માં તેમની ખોટી બ્રેન સર્જરી થયા બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. તેમણે મરતા પહેલાં તમામ સંપત્તિ શ્રીના નામે કરી દીધી હતી. ત્યારબાદ શ્રીદેવીના તેમની બહેન શ્રીલતા સાથેના સંબંધ ખરાબ થઈ ગયા હતા.
રાઘવે લખ્યું કે, ચારે તરફથી હંમેશા લોકો અને સારી બાબતોથી ઘેરાયેલી હોવા છતાં તે એકલી હતી. બીજી તરફ બોની કપૂરે ૧૯૯૬માં પહેલી પત્ની મોના કપૂરથી અલગ થઈને શ્રી સાથે લગ્ન કરી લીધા. બોનીની માતાએ શ્રીદેવીને આ દરમ્યાન ઘર તોડનારી મહિલા પણ કહી અને સૌની સામે પેટ પર પંચ પણ માર્યો. આ બધું તેમણે એક ફાઈવ સ્ટાર હોટલની લોબીમાં કર્યું હતું.