અમદાવાદ, તા.રર
પદ્માવત ફિલ્મનો વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના બોપલ આંબલી ખાતે આવેલા થિયેટરના કોમ્પલેક્ષ ઉપર પથ્થરમારો કરીને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. પદ્માવત ફિલ્મને રિલિઝ નહીં કરવાની માંગ સાથે રાજપૂત સંગઠનો દ્વારા રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે અમદાવાદ શહેરના ૧૦ જેટલા થિયેટરોએ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી દર્શાવતા તેને પોલીસે રક્ષણ આપવાની તૈયારી બતાવી છે ત્યારે સોમવારે મોડી રાત્રે અમદાવાદ શહેરના બોપલ ખાતેના સિટી ગોલ્ડ થિયેટર ખાતે અજાણ્યા શખ્સોના ટોળાએ પથ્થરમારો કરી કાચ તોડી પદ્માવત ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.