(એજન્સી) નાગપુર, તા.૨૯

માઓવાદીઓ સાથેના સંપર્કો હોવાના આક્ષેપોના લીધે જન્મ ટીપની સજા ભોગવી રહેલ દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જી.એન. સાઈબાબાની જામીન અરજી બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે નકારી કાઢી.

સાંઈબાબા વ્હીલ ચેર ઉપર છે અને એમને ૯૦ ટકા શારીરિક અક્ષમતાઓ છે. એમણે સ્વાસ્થ્યના કારણો રજૂ કરી જામીનની માંગણી કરી હતી. એમણે કહ્યું હતું કે એ દુર્બળ છે અને જેલમાં  કોવિડ-૧૯ માટે વધુ સંવેદનશીલ છે. એમને માર્ચ ૨૦૧૭ માં દોષિત ઠરાવવામાં આવ્યું હતું અને તે વખતથી તેઓ નાગપુરની સેન્ટ્રલ જેલમાં છે.

સાંઈબાબાના વકીલે અરજીમાં જણાવ્યું હતું કે એમને ૪૫ દિવસ માટે સ્વાસ્થ્યના કારણોના લીધે જામીન આપવા જોઈએ જેથી એ સારવાર કરાવી શકે અને પોતાની કેન્સર પીડિત માતા સાથે મળી શકે. જેલમાં કોરોના વાયરસ ફેલાયેલ છે જેથી એમને પણ વાયરસનું ચેપ લાગવાનું ભય વધુ છે. જો કે સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે એમને જેલના જુદા સેલમાં રાખવામાં આવ્યું છે જેથી અન્ય કેદીઓ સાથે સંપર્કમાં આવવાની શક્યતા નથી. અને જે સ્ટાફ એમની સેવામાં છે એ કોરોના મુક્ત છે. જે સ્ટાફ કોરોના પોઝિટીવ જણાયો હતો એમને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. વધુમાં એમની માતાની સંભાળ એમના બીજા ભાઈ કરી રહ્યા છે. એ માટે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યના કારણોના લીધે પણ એમને જામીન આપી શકાય નહિ . જો એ બહાર જશે તો એમને કોરોનાનું જોખમ વધુ રહેશે. એ જેલમાં વધુ સુરક્ષિત છે.

આ જેલમાં ૧૮૦૦ કેદીઓ છે અને ૨૬૫ પોલીસ અને જેલ ક્રમચારીઓ છે. ૨૦૦ કેદીઓ અને ૬૦ જેલ ક્રમચારીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા હતા. જેમણે સારવાર અપાઈ હતી.