(એજન્સી) મુંબઈ, તા.૨
કેન્દ્ર સરકારે મંગળવારે પીએમ કેર દ્વારા પ્રાપ્ત ભંડોળની ઘોષણા કરવાની અરજીનો વિરોધ કરી એને રદ્દ કરવાની માંગ કરી હતી. સરકાર દ્વારા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન લોકોને સહાય કરવા આ ભંડોળની રચના કરાઈ છે.
એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચને જણાવ્યું હતું કે, એડવોકેટ અરવિંદ વાઘમરે દ્વારા દાખલ કરેલી અરજી રદ્દ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં પીએમ કેર્સ ફંડ સ્થાપવા સામે આવી જ અરજીને નકારી કાઢી હતી, તેમણે જસ્ટિસ એસ.બી.શુક્રે અને એ.એસ.કિલોરની ડિવિઝન બેંચને માહિતી આપી હતી.
જો કે, ખંડપીઠે નોંધ્યું હતું કે, તેમની સમક્ષ મૂકાયેલ અરજી પહેલાં કરતા જુદી દાદ માંગી રહી છે જેથી કેન્દ્ર સરકારને આ અરજીના જવાબમાં સોગંદનામું બે અઠવાડિયામાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તમારો (કેન્દ્ર સરકારનો) વલણ શું છે તે સોગંદનામાં ઉપર ફાઈલ કરો. વાઘમરે પોતાની અરજીમાં સરકારને વેબસાઈટ પર સમયાંતરે મળેલા ભંડોળ અને કરાયેલ ખર્ચ જાહેર કરવા સરકારને નિર્દેશ આપવા માગણી કરી હતી. આ અરજી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના અધ્યક્ષ તરીકે છે અને સંરક્ષણ, ગૃહ અને નાણા વિભાગના પ્રધાનો તેના સભ્યો તરીકે છે. પીએમ કેર્સ ટ્રસ્ટની રચના કોરોના વાયરસથી થતી કટોકટી અથવા તકલીફ સાથે કામ કરવાના મુખ્ય ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. આ ટ્રસ્ટની રચના દેશના લોકોને કોવિડ-૧૯ રોગચાળાથી અસરગ્રસ્તોને રાહત અને સહાય આપવા માટે કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા દેશના અને વિદેશના લોકો પાસેથી નાણા મેળવવામાં આવી રહ્યા છે. અરજીમાં સરકાર અને ટ્રસ્ટને યોગ્ય તપાસ અને પારદર્શિતા રાખવા માટે વિરોધ પક્ષોમાંથી ઓછામાં ઓછા બે સભ્યોની નિમણૂક કરવી જોઈએ. “સામાન્ય લોકોની શ્રદ્ધા અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવા માટે, સરકારને પીએમ કેર્સ ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરેલા ભંડોળથી કેટલા નાણા મળ્યા છે અને કઈ રીતે તેનો ઉપયોગ કોરોના વાયરસથી અસરગ્રસ્ત નાગરિકોના લાભ માટે કરવામાં આવ્યો છે તે જણાવવું જોઈએ.