(એજન્સી) મુંબઈ, તા.ર૪
સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસની મીડિયા દ્વારા રિપોર્ટીંગ કરવા ઉપર સીબીઆઈ જજે પ્રતિબંધ મૂકયો હતો. એ પ્રતિબંધને બોમ્બે હાઈકોર્ટે આજે રદ કર્યો છે. બોમ્બે હાઈકોર્ટના જજ રેવતી મોહિતે-દેરેએ જણાવ્યું હતું કે ન્યાય થયો છે એ નહીં પણ એ દેખાવવો પણ જોઈએ કે ન્યાય થયો છે. જે ખુલ્લી કોર્ટનો ઉદ્દેશ્ય છે. લોકોને ન્યાય વિતરણ વ્યવસ્થા બાબતે માહિતી મેળવવાનો અધિકાર છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પોતાની સત્તાઓનો વધુ પડતો ઉપયોગ કર્યો છે અને આ પ્રકારનો પ્રતિબંધ નવેમ્બર મહિનામાં મૂકાયો હતો. આરોપી દ્વારા ફકત ભય વ્યક્ત કરાયો હોય કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. એ આધાર પ્રતિબંધ મૂકવા માટે પૂરતો નથી. એમણે આરોપીઓના વાંધાઓ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જણાવ્યું કે આરોપીઓ કોઈ નક્કર કાયદાકીય જોગવાઈ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે જેથી રિપોર્ટીંગ ઉપર પ્રતિબંધ મૂકી શકાય નહીં. ૯ ખ્યાતનામ પત્રકારોએ સીબીઆઈ જજના આદેશને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી હતી. નોંધનીય છે કે, આ કેસમાં આરોપીઓ તરીકે ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હતા. પત્રકારોએ જણાવ્યું કે, કેસોના રિપોર્ટ કરી નાગરિકોને પહોંચાડવો એમનો મૂળ અધિકાર છે જે છીનવી શકાય નહીં. એમણે રજૂઆતો કરી કે આદેશ ગેરકાયદેસર છે અને ટકી શકે નહીં જે ફકત ભય ઉપર આધારિત છે પણ આરોપીઓ એ જણાવી શકયા નથી કે એમને કયા પ્રકારનો અને કોની સામે ભય છે. આ કેસ બાબત પહેલાં પણ ઘણુ બધુ ચર્ચાયું છે અને લખાયું છે જેથી સુરક્ષાનો કોઈ ભય નથી એથી સાબિત થાય છે. કોઈપણ વકીલ, આરોપીના સગાઓ અથવા સાક્ષીઓ સામે કોઈ ભય ઉત્પન્ન થયા નથી જેથી આ પ્રતિબંધ યોગ્ય નથી. જજ રેવતી મોહિતે સીબીઆઈ જજના આદેશને રદ કરતા વધુમાં જણાવ્યું કે આ મુદ્દો વાણી સ્વતંત્રતાના અધિકાર સાથે પણ સંકળાયેલ છે જેથી એ અધિકાર હેઠળ પણ પ્રતિબંધ અયોગ્ય છે. આ પહેલાં આ કેસની સુનાવણી કરી રહેલ જજ બી.એચ.લોયાના રહસ્યમય મૃત્ય બાબત અહેવાલો બહાર આવતા મુંબઈની સ્પે.સીબીઆઈ કોર્ટે મીડિયા ઉપર કેસના રિપોર્ટીંગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રતિબંધ મૂકનાર જજ સુનીલકુમાર જે શર્માએ જણાવ્યું હતું કે મીડિયા દ્વારા આ કેસ સંદર્ભે રિપોર્ટ જણાવવાથી આરોપીઓ, ફરિયાદ પક્ષના સાક્ષીઓ, બચાવ ટીમ અને ફરિયાદ પક્ષ સામે સુરક્ષાના પ્રશ્નો ઊભા થઈ શકે છે જેથી વકીલોની વિનંતી માન્ય રાખી રિપોર્ટીંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.