ભાવનગર,તા.૩૦
ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભામાં મેયરે વધુ એક વખત બોરતળાવના ગેરકાયદેસર દબાણ હટાવવાની ખાતરી આપી હતી. આ સભામાં મહાનગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરના રીપેરીંગ અંગેના પ્રશ્ન અંગે લંબાણપૂર્વકની ચર્ચાઓ થઈ હતી.મેયર મનહરભાઈ મોરીના અધ્યક્ષસ્થાને મળેલી સાધારણ સભામાં બોરતળાવના દબાણ હટાવવા અંગે સ્થળ તપાસ કર્યા બાદ તંત્રને દબાણ હટાવવા સૂચના આપી હોવાનું મેયરે જણાવતા વિરોધ પક્ષના સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સભામાં શહેરના વિવિધ સ્થળોએ આવેલા મહાનગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરની જર્જરીત હાલત અને રીપેરીંગના પ્રશ્ન અંગે લંબાણપૂર્વકની ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા સહિતના પ્રશ્નો અંગે સભ્યોએ રજૂઆત કરી હતી.
આ સભામાં રજૂ થયેલ કર્મચારીને સહાય, શાળાનો ઈમલો ઉતારવાનું ટેન્ડર, શિક્ષણ સમિતિના સભ્યોના માનદ વેતન અને ભથ્થાની ચૂકવણી, ભાવનગર શહેરને ગાર્બેજ ફ્રી સિટી જાહેર કરવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવા સહિતના ઠરાવો ચર્ચા-વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યાં હતાં.
શહેરમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા
ભાવનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના સંત કંવરરામ ચોક સહિતના સ્થળે અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના સંત કંવરરામ ચોકમાં અડચણરૂપ લારી-ગલ્લાઓ હટાવી દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.
એસ્ટેટ વિભાગ દ્વારા સંત કંવરરામ ચોક ઉપરાંત શિવાજી સર્કલ સહિતના સ્થળે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.