આણંદ, તા.૧૧
બોરસદ તાલુકાના કાવિઠા ગામે રહેતી એક સગીરાને ગત રવિવારના રોજ સાંકરદા ખાતે રહેતી હતી. ત્યારે આ સગીરાને તેની બહેનના ત્યાંથી બાઈક પર પરત કાવિઠા જતી વખતે વાસદ અને આણંદથી કાવિઠા જતા કોઈ અજાણી જગ્યાએ એમ બે વખત સગીરા પર અત્યાચાર ગુજારતા વાસદ પોલીસે અત્યાચાર ગુજારનાર શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાંકરદા ગામે રહેતા યુવકની પત્ની સાળીને લઈને ગામના અજયભાઈ શામજીભાઈ ગરવાડ ઘરે આવ્યા હતા. જ્યાં જમ્યા બાદ સાંજના ચાર વાગ્યાના અરસામાં અજય ગરવાડ આદિવાસી યુવકની સાળીને બાઈક પર બેસાડીને કાવિઠા મૂકવા જવા માટે નીકળ્યો હતો. થોડીવાર બાદ અજય ગરવાડનો ફોન બંધ આવતો હતો. જેથી આદિવાસી યુવક અને તેની પત્ની બાઈક લઈને પાછળ પાછળ ગયા હતા. જ્યાં વાસદ ટોલ નાકા પાસે બંને ભેગા થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ ત્યાં ટ્રાફિક હોવાથી અજય બાઈક લઈને આગળ નીકળી ગયો હતો અને ત્યારબાદ જોવા મળ્યો ન હતો.
બીજી તરફ આદિવાસી યુવક બાઇક લઇને પોતાની પત્ની સાથે વાસદ ગામમાં થઈને બોરસદ જવાના રોડે આવતા અજય કાવિઠા જતો રહ્યો હશે તેમ માનીને તેઓ પરત સાંકરદા આવી ગયા હતા. બીજી તરફ અજય ગરવાડ આદિવાસી યુવકની સાળીને વાસદથી રોડની સાઈડમાં કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરૂદ્ધ જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યાર બાદ અજય ગરવાડ સગીરાને બાઈક પર લઈને આણંદ ખાતે કોઈ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાયા બાદ પરત કાવિઠા જવા નીકળ્યો હતો. ત્યારે આણંદથી કાવીઠાની વચ્ચે પણ કોઈ અજાણી જગ્યાએ અજય ગરવાડે આદિવાસી સગીરા પર બીજી વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં અજય ગરવાડે આદિવાસી સગીરાને જો કોઈને આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.